(એજન્સી) ચંદીગઢ, તા.૧૦
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને પાકની લણણી માટે લોકડાઉનના પ્રતિબંધોમાંથી કામચલાઉ રાહત આપવામાં આવશે. તેમણે આ પણ કહ્યું હતું કે, જિલ્લાવાર આ પ્રતિબંધો દૂર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં ઘઉંનો ૧૮પ લાખ ટન જેટલો મબલખ પાક થવાની સંભાવના છે. આથી આ જરૂરી છે કે લણણી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પત્રકાર-પરિષદને સંબોધતા અમરિન્દરસિંઘે કહ્યું હતું કે, હવે અમારા ખેડૂતો માટે લણણીનો સમય આવી ગયો છે. ૧૪ એપ્રિલ સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન છે અને ૧પ એપ્રિલથી ઘઉંના પાકની લણણી શરૂ થશે. અમારા રાજ્યમાં સળંગ ચોથા વર્ષે ઘઉંનો મબલખ પાક થયો છે. મુખ્યમંત્રીએ આ પણ કહ્યું હતું કે, રાજ્યની કેબિનેટ આ નક્કી કરશે કે ર૧ દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન પછી રાજ્યના અન્ય ભાગોમાં લોકડાઉન લંબાવવું કે નહીં. ઉલ્લેખનીય છે કે, કેરળ પછી પંજાબ બીજો રાજ્ય હતો જેણે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કર્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધી કોવિડ-૧૯ના ૧૩ર પોઝિટિવ કેસોની પુષ્ટી થઈ છે જેમાંથી ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો.