(એજન્સી) તા.રપ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ ચેતવણી આપી છે કે આગામી ર૦ દિવસથી એક મહિનાના સમયગાળામાં કોવિડ-૧૯ના કેસોનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન જોવા મળી શકે છે અને આ વાયરસનો ભોગ બનેલો દરેક ભારતીય સારી પરિસ્થિતિમાં ૧.પ લોકોમાં ચેપ ફેલાવી શકે છે જ્યારે સૌથી ખરાબ સ્થિતિમાં આ ચેપ ૪ લોકોમાં ફેલાઈ શકે છે. ઈન્ડિયન જનરલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં આગાહી કરવામાં આવી છે કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લુરૂ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોચી જેવા શહેરોમાં કોરોના વાયરસને ફેલાતો રોકવો ખૂબ જ મુશ્કેલ છે. સૌથી આશાસ્પદ પરિસ્થિતિમાં પણ જોઈએ તો સરકારના સંપૂર્ણ પ્રયત્નો છતાં દિલ્હીમાં આગામી ૬૦૦ દિવસમાં કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા બે લાખ નવા કેસો જોવા મળશે. આ શોધનિબંધના સહલેખક અને કોવિડ-૧૯નો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવેલી ટાસ્ક ફોર્સના સભ્ય તરૂણ ભટનાગરે કહ્યું હતું કે, આમાંથી પ ટકા કેસોમાં આઈસીયુની સુવિધાની જરૂર પડશે એટલે કે આગામી ર વર્ષ દરમિયાન દિલ્હીમાં ૧૦,૦૦૦ કેસ જોવા મળશે. પરંતુ જો સૌથી ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો દિલ્હીમાં ૯૦ લાખ જેટલા નવા કેસો સામે આવી શકે છે જેમાંથી ૪.પ લાખ કેસોમાં ૪પ દિવસ સુધી આઈસીયુમાં દાખલ થવું જરૂરી હશે. બીજા મેટ્રો શહેરો જેમ કે, મુંબઈ, બેંગ્લુરૂ અને કોલકાતામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે.