નવી દિલ્હી,તા.૩

ન્યુઝીલેન્ડ સામેના પરાજય બાદ ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહના પત્રકાર પરિષદમાં આવવાને લઈ ભારતના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરૂદ્દીને વિરોધ વ્યક્ત કર્યો છે. અઝહરૂદીને કહ્યું કે મારા વિચારથી કોચે પ્રેસ કોન્ફરન્સ માટે આવવું જોઈએ. જો વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થવા નથી માંગતો તો કોઈ વાત નહીં પણ રવિ શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થવું જોઈતું હતું. અઝહરૂદ્દીનને લાગે છે કે  ટીમના વરિષ્ઠ ખેલાડીઓએ ના ફક્ત જીતવાના સમયે પણ હારવાના સમયે પણ મીડિયાને સંબોધિત કરવા માટે બહાર આવવું જોઈએ. એટલા માટે બુમરાહને મોકલવાનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ દ્વારા યોગ્ય ન હતો. તેમણે કહ્યું કે, તમે ફક્ત જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ ના થઈ શકો. તમારે હાર માટે સ્પષ્ટીકરણ આપવું પડશે. બુમરાહને પત્રકાર પરિષદ માટે મોકલવો ખોટું હતું. કપ્તાન અથવા કોચને દબાણનો સામનો કરવા આવવું જોઈતું હતું. તેમણે કહ્યું કે તમે એક અથવા બે મેચ હારી જાવ છો તો તેમાં શરમ અનુભવવાની કોઈ જરૂર નથી પણ કપ્તાન અથવા કોચને આવીને દેશને બતાવવું પડશે કે ટીમ કેમ હારી. તમે બુમરાહ પાસે આ સવાલોના જવાબની આશા કેવી રીતે કરી શકો. જો તમે ટીમના જીતવા પર મીડિયાનો સામનો કરવા માટે તૈયાર છો તો તમારે તે સમયે પણ આગળ વધવું જોઈએ. જ્યારે તમારી ટીમ કઠિન તબક્કામાંથી પસાર થઈ રહી હોય.