ગોલકોસ્ટ, તા.૭
ફક્ત સાત સેકન્ડમાં વિજય ભારતના હાથમાંથી સરકી ગયો. ભારતીય પુરૂષ હોકી ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ ર-૧ થી આગળ હતી. કોમેન્ટેટરથી લઈ દર્શકો ભારતના વિજયને લઈ આશ્વસ્ત દેખાતા હતા. કારણ પાકિસ્તાનની રમતમાં અનેક ભૂલો હતી પણ ફક્ત સાત સેકન્ડમાં મળેલા બે પેનલ્ટી કોર્નરે પાકિસ્તાનની હારને ર-રથી ડ્રોમાં બદલી નાખી
શનિવારે કોમનવેલ્થ ગેમ્સની પોતાની પ્રથમ મેચમાં ભારતીય હોકી ટીમની સામે પાકિસ્તાન હતું. મેચમાં ભારત ફેવરીટ હતું. ભારતે શરૂઆત પણ તેવી જ કરી જેવી આશા હતી. શરૂઆતની મિનિટોમાં ભારતે સતત હુમલા કર્યા. પાકિસ્તાન દબાણમાં હતું.
૧૩મી મિનિટમાં દિલપ્રીતસિંહે મેદાની ગોલ કરી ભારતને લીડ અપાવી. ત્યારબાદ ૧૯મી મિનિટમાં હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરથી ગોલ કરી ભારતની લીડ ર-૦ કરી હતી. ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાની ટીમની રમત બદલાયેલી દેખાઈ. તેઓ વધારે આક્રમક અને સંતુલિત થયેલા મેદાનમાં હતા. મેચની ૩૮મી મિનિટમા મો. ઈરફાન જુનિયરે ગોલ કરી પાકિસ્તાન માટે માર્જીન ઓછું કર્યું જ્યારે અંતિમ મિનિટોમાં મુબાશરઅલીએ પેનલ્ટી કોર્નરથી ગોલ કરી પોતાની ટીમ માટે મુકાબલો ડ્રો કર્યો.