(એજન્સી) તા.૪
કેન્દ્ર સરકારે કેરળમાં ગર્ભવતી હાથણીને ફટકાડા ભરેલો પાઈનેપલ ખવડાવી તેનું મૃત્યુ નિપજાવવાની ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, અમે આ કેસની યોગ્ય તપાસ કરવા માટે બધા પ્રયત્નો કરીશું. પ્રાણીઓને ફટાકડા ખવડાવી મારી નાખવા એ ભારતીય સંસ્કૃતિ નથી. તેમણે આગળ કહ્યું હતું કે, પર્યાવરણ મંત્રાલયે કેરળમાં હાથણીની હત્યા અંગે ગંભીર નોંધ લીધી છે અને આ ઘટના અંગે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમ્યાન કેરળના વનમંત્રી કે.રાજુએ પણ ગર્ભવતી હાથણીની હત્યા કરનાર દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. તેમણે આ સ્પષ્ટતા પણ કરી હતી કે, આ આઘાતજનક ઘટના ભાજપ નેતા મેનકા ગાંધીના દાવા મુજબ મલ્લપપુરમમાં નહીં પરંતુ પાલક્કાડમાં ઘટી હતી.