(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે તેઓ હાઇકોર્ટના આદેશમાં દરમિયાનગીરી કરશે નહીં, જેમાં હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં કાલી પૂજા દરમિયાન ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન જીવ સાચવવો વધુ મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટની ડી.વાય. ચન્દ્રચુડની વેકેશન બેન્ચે કહ્યું કે જો કે તહેવારો મહત્વપૂર્ણ છે પણ હાલમાં કોવિડ-૧૯ના લીધે જીવ જ જોખમમાં મુકાયેલ છે. હાઇકોર્ટ સ્થાનિક પરિસ્થિતિ વધુ સારી રીતે જાણે છે અને એને ચાલુ રાખવો જોઈએ. સુપ્રીમ કોર્ટ બડાબજાર ફાયર વર્કસ ડીલર્સ એસોસીએશન તરફે ગૌતમ રોય દ્વારા હાઇકોર્ટના ગયા અઠવાડિયાના આદેશને પડકારતી અપીલની સુનાવણી કરી રહી હતી. જેમાં હાઇકોર્ટે આગામી કાલી પૂજા, છઠ પૂજા દરમિયાન પ્રદૂષણને રોકવા ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલમાં આપણે બધા જીવન સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. આપણા બધાના ઘરોમાં વડીલો છે. અમે આ સ્થિતિમાં છીએ જ્યાં જીવ સાચવવો વધુ મહત્વપૂર્ણ છે. આપણા વડીલો જેમાંથી ઘણા બધા કોમોરબીટીઝ ધરાવે છે એમના માટે વિચારવું જોઈએ. હાઈકોર્ટે કહ્યું હતું કે પ્રતિબંધ જગદ્ધાત્રી પૂજા, છઠ પૂજા અને કાલી પૂજા દરમિયાન પણ લાગુ રહેશે અને જે ગાઈડલાઈન્સ દુર્ગા પૂજાના સમયે જણાવી હતી તે હાલમાં પણ અમલી રહેશે જેમ કે મંડપોમાં મર્યાદિત લોકોને પ્રવેશ આપવો વગેરે છે. હાઈકોર્ટે કોર્ટના નિર્દેશોની દુર્ગા પૂજા દરમિયાન અસરકારક રીતે અમલ કરવા માટે રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી અને પોલીસને જણાવ્યું હતું કે અન્ય તહેવારોમાં પણ આ જ રીતે અમલ થવો જોઈએ.
ફટાકડા સામે પ્રતિબંધ પર સુપ્રીમની મહોર કલકત્તા હાઈકોર્ટના આદેશને જાળવી રાખ્યો

Recent Comments