(એજન્સી) મુંબઈ, તા.૯
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના મુંબઈ વિસ્ફોટના દોષિતો સાથે સંબંધો હોવાના ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના આરોપોના તુરંત બાદ વળતો પ્રહાર કરતાં મલિકે જણાવ્યું હતું કે, ફડણવીસને ખુલ્લા પાડવા આવતીકાલે હાઈડ્રોજન બોમ્બ વરસાવીશ. મલિકે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને હાલ રાજ્યમાં વિરોધપક્ષના નેતા ફડણવીસ અંધારી આલમ સાથે સાંઠગાંઠ ધરાવે છે. નવાબ મલિકે જણાવ્યું હતું કે, હું આવતીકાલે દેવેન્દ્ર ફડણવીસના સંબંધો અંગે હાઈડ્રોજન બોમ્બ વરસાવીશ. હું ફડણવીસના અંડરવર્લ્ડ સાથેના સંબંધોનો પર્દાફાશ કરીશ. મલિકે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી ઉક્ત દાવો કર્યો હતો. નવાબ મલિકે ભાજપના નેતા ફડણવીસ પર આરોપ લગાવ્યો હતો કે, દેવેન્દ્ર ફડણવીસ અંધારી આલમ અને મુંબઈ વિસ્ફોટના દોષિતો સાથે મારૂં નામ જોડી મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે ફડણવીસને કાનૂની નોટિસ પાઠવવાની પણ ચીમકી આપી હતી. આ અગાઉ દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે, મે એવી છ સંપત્તિઓ વિશે જાણ્યું છે જેમાંથી ચાર સંપત્તિ સીધી રીતે અંડરવર્લ્ડ સાથે જોડાયેલ છે. ફડણવીસે જણાવ્યું હતું કે, મલિક પોતાના જમાઈ સામેની ચાર્જશીટ નબળી બનાવવા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો પર દબાણ બનાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરીમાં નવાબ મલિકના જમાઈની એનસીબી દ્વારા ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, રાજ્યના મંત્રી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રવક્તા નવાબ મલિક મુંબઈ વિસ્ફોટના દોષિતો સાથે સંબંધ ધરાવે છે. તેમણે એનસીપીના નેતા નવાબ મલિક પર જોરદાર પ્રહારો કર્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિક પર અંધારી આલમ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ અગાઉ નવાબ મલિકે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્રને બદનામ કરવા રાજ્યમાં ડ્રગ્સ રેકેટનો મુદ્દો ઉછાળવામાં આવે છે. અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સંડોવતાં ડ્રગ્સ કેસ મામલે હાલ નવાબ મલિક અને ફડણવીસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.