દાહોદ,તા.૧૮
દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારાએ કથિત રીતે ચૂંટણી સભામાં મતદારોને ભાજપમાં વોટ આપવા બાબતે ધમકાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં આ બાબતે અત્રેના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટરે ભાજપના ધારાસભ્ય રમેશ કટારાને ઉપરોક્ત મામલે ૨૪ કલાકમાં કલેક્ટર કચેરીએ આવી ખુલાસો આપવા જણાવ્યું હતું ત્યારબાદ ગઈકાલ સાંજ સુધી ધારાસભ્ય દ્વારા કોઈપણ પ્રકારના ખુલાસો ન આપતા મુખ્ય ચૂંટણી અધિકારીએ સમગ્ર પ્રકરણ બાબતે તપાસ આદરતા પ્રથમ દૃષ્ટિએ આચારસંહિતા ભંગ થયો હોવાનું બહાર આવતા મુખ્ય ચૂંટણી અધિકારીએ સમગ્ર મામલાનો એક અહેવાલ રાજયના ચૂંટણીપંચને મોકલી આપ્યો હતો ત્યારબાદ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ ચૂંટણી કમિશનરે કડક વલણ અપનાવી ધારાસભ્ય વિરુદ્ધ આચારસંહિતા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ જારી કરતા ધારાસભ્ય મુશ્કેલી વધી શકે તેમ છે. ત્યારે આદર્શ આચાર સંહિતાની ગાઈડ લાઈન મુજબ ધારાસભ્ય વિરૂદ્ધ કેવા પ્રકારના પગલાં લેવાશે તે હાલ જાણી શકાયું નથી પરંતુ સમગ્ર પ્રકરણ બાબતે દાહોદ જિલ્લાના રાજકારણમાં હાલ ભૂકંપ સર્જાયો છે.
ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારા દ્વારા પોતાના મત વિસ્તારમાં યોજેલ ચૂંટણી સભામાં મતદારોને ગર્ભિત ધમકી આપી ભાજપને વોટ આપવા ધમકાવવાના મામલામાં ચૂંટણીપંચ દ્વારા કડક વલણ અપનાવતા ધારાસભ્યની મુશ્કેલી વધી શકે તેમ છે. ફતેપુરા મતવિસ્તારના ધારાસભ્ય રમેશ કટારાએ પોતાના મત વિસ્તારમાં પ્રચારઅર્થે યોજેલ એક ચૂંટણી સભામાં મતદારોને ભાજપને વોટ આપવા ધમકાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એક્શનમાં આવેલા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિજય ખરાડીએ ધારાસભ્ય રમેશ કટારાને અત્રેની મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ ૨૪ કલાકમાં ખુલાસો આપવા જણાવ્યું હતું ત્યારે ધારાસભ્ય રમેશ કટારા દ્વારા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલ ૨૪ કલાકની અવધી પૂરી થયા બાદ પણ પોતાનો જવાબ રજૂ ન કરતા મુખ્ય ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ સમગ્ર પ્રકરણ બાબતે તપાસ આદરતા પ્રથમ દ્રષ્ટિએ ધારાસભ્ય રમેશ કટારાએ આચારસંહિતા ભંગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવતા મુખ્ય ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ સમગ્ર પ્રકરણ નો એક અહેવાલ રાજ્યના ચૂંટણી પંચને મોકલી આપ્યો હતો ત્યારબાદ ચૂંટણી કમિશનરે આ મામલાને ગંભીરતાથી લઈ ધારાસભ્ય રમેશ કટારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કરતા જિલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.