(સંવાદદાતા દ્વારા) દાહોદ, તા.ર૯
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં લખણપુર પાસે હાઈવે પર બસ સાથે મોટરસાઈકલ અથડાતા સાગડાપાડાના મોટરસાઈકલ ચાલક પિતા – પુત્રનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.
હાઈવે પર કુંડલા ચોકડીએ ગઈકાલે રાતે ગાંગરડીથી અમદાવાદ થઈ મોરબી જતી બસની ટક્કર એક મોટરસાઈકલને વાગતા મોટરસાઈકલ પર સવાર પિતા – પુત્રને ઈજાઓને કારણે તેમનુ સ્થળ પર મોત નીપજ્યું હતુ. અકસ્માત સર્જાયા પછી એસ.ટી.બસનો ચાલક બસ સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. સુખસર પોલિસે સ્થળ પરથી બસ કબજે કરી હોવાનું જાણવા મળે છે. સાગડાપાડાના તળગામના રહીશ નેરસીંગભાઈ અમલીયારે તેમની બીમાર પત્નિ ગલીબેનને ઝાલોદના ખાનગી દવાખાનામાં દાખલ કરાવી હતી તેમને ગઈકાલે રાત્રે ટીફીન આપવા તેરસીંગભાઈ અને તેમનો પુત્ર સુરેશ એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ નીકળ્યા હતા આ દરમ્યાન સામેથી આવતી એક એસ.ટી.બસે તેમની મોટરસાઈકલને ટક્કર માતાં અકસ્માત સર્જાયો હતો અને ઉપરોક્ત પિતા – પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતુ. આ સંબંધે મૃતકના મોટાભાઈ મગનાભાઈ અમલીયારે સુખસર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.