અમદાવાદ,તા.૧૩
શહેરના ફતેહવાડી કેનાલ પાસેના વિસ્તારમાંથી એક કન્સ્ટ્રકશન સાઈટ પરથી એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેના પગલે સરખેજ પોલીસે પોસ્ટમોર્ટમ માટે લાશને હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા થઈ હોવાની પોલીસે શંકા વ્યકત કરી છે. સરખેજ વિસ્તારમાં આવેલી ફતેહવાડી કેનાલ પાસે એક કન્સ્ટ્રકશન સાઈટ પાસે કામકાજ દરમ્યાન એક બિનવારસી લાશ જમીનમાં અડધી દટાયેલી હાલતમાં પડી હોવાની જાણ પોલીસને કરાઈ હતી. જેના પગલે સરખેજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જમીનમાં દટાયેલી અને દુર્ગંધ મારતી લાશના માથાનો ભાગ તેમજ એક પગ બહાર દેખાતો હોવાથી તેને બહાર કાઢવામાં આવી હતી. આ મામલે સરખેજ પોલીસનું કહેવું છે કે અજાણી મહિલાની દાટી દીધેલી લાશ મળી આવી છે. જેની હજુ સુધી ઓળખ થઈ નથી. પરંતુ કોઈએ લાશને દાટી દીધી છે. એટલે કયાંકને કયાંક તેની હત્યા થઈ હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. પરંતુ હકીકત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ બહાર આવશે. તેથી હાલ તો મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી કરી છે.