અમદાવાદ, તા.૩
છાશવારે સાદા ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ દ્વારા સામાન્ય પ્રજા ઉપર રોફ જમાવવાનો કે પછી દાદાગીરી કરતા હોવાનાં બનાવો બને છે ત્યારે પોલીસ કર્મચારી ફરજ ઉપર હતો કે નહી ? તેવા સવાલો ઊભા થાય છે ત્યારે નવનિયુક્ત ડીજીપીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમની સક્રિય ફરજ ઉપર હોય ત્યારે નિયત કરવામાં આવેલો ગણવેશ પહેરવા આદેશ કર્યો છે. તાજેતરમાં નવા નિમાયેલા ડીજીપી શિવાનંદ ઝાએ ડીજીપીનું પદ સંભાળતાની સાથે જ પોલીસ કર્મચારીઓને શિસ્તમાં રહેવાનો આદેશ કરી દીધો છે. રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારી તેમની સક્રિય ફરજ ઉપર હોય ત્યારે નિયત કરવામાં આવેલો ગણવેશ પહેરતા નથી અને ખાનગી કપડામાં પોતાની ફરજવાળા સ્થળે હાજર થઈ ફરજ અદા કરતા હોવાનું ડીજીપી કચેરીના ધ્યાને આવ્યું હતું ત્યારે દરેક શહેર, જિલ્લા અને એકમોના વડાઓને તેમના તાબા હેઠળ ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમની ફરજ ઉપર નિયત કરેલા ગણવેશ પહેરીને જ આવે તે સુનિશ્ચિત કરવા અને આ માટે જાતે તેમજ તાબા હેઠળના સુપરવાઈઝરી અધિકારીઓ મારફતે ચકાસણી કરાવવા રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ આદેશ કર્યો છે. આ આદેશનો ચુસ્તપણે અમલ કરવા માટે તમામ કચેરીઓ અને પોલીસ સ્ટેશનોને પરિપત્ર પાઠવી સુચનાઓ ધ્યાને મુકવા જણાવ્યું છે. તેમજ આદેશનો ભંગ કરવામાં આવે તો સુપરવાઈઝરી અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અને ભંગ કરનારા અધિકારી અને કર્મચારીઓ વિરૂદ્ધ શિસ્ત સંબંધી કાર્યવાહી હાથ ધરાશે.