અમદાવાદ,તા.૧૩
છત્રાલમાં કટ્ટરવાદી તત્વો દ્વારા કરાયેલ હુમલામાં ઈજાગ્રસ્ત ફરનાઝ સૈયદનું મોત થયું છે. ત્યારે આ મામલે પરિવારજનોને વળતર આપવા સહિતની ન્યાયની માગ સાથે બુધવારે રાજયની તપાસ કલેકટર કચેરીઓને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરાશે. જો માગણીઓ નહી સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. આ અંગે અલ્પસંખ્યક અધિકાર મંચ ગુજરાતના સભ્ય અને એડવોકેટ શમશાદખાન પઠાણે જણાવ્યું હતું કે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા કોમવાદી માનસિકતાને લીધે છત્રાલમાં ફરનાઝ સૈયદ અને તેની માતા રોશનબાનુ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેથી આ મામલે પ્રધાનમંત્રીના ૧પ મુદ્દાના કાર્યક્રમ અંતર્ગત છત્રાલની ઘટનામાં મૃત્યુ પામેલ ફરનાઝ સૈયદના પરિવારને વળતર મળે તે માટે અલ્પસંખ્યક અધિકાર મંચના સભ્યો તથા અગ્રણીઓ દ્વારા તા.૧૪ માર્ચના રોજ બપોરે ૩ વાગ્યે એક જ સમયે રાજયમાં વધુમાં વધુ જિલ્લા કલેકટર કચેરીઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે. વધુમાં એડવોકેટ શમશાદખાન પઠાણે જણાવ્યું હતું કે કલેકટરને પાઠવવાના આવેનદપત્રમાં અમારી માગણીઓ એવી હશે કે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે તેમજ સરકારને તારીખ ર૩-૧-ર૦૧૮ના રોજ આવેદનપત્ર આપીને સમગ્ર ઘટનાઓ અટકાવવા માટે જાણ કરેલ હોવા છતાં અને ગાંધીનગર કલેકટર સાહેબ દ્વારા ગૃહ વિભાગને સમગ્ર ઘટના વિશે જાણ કરેલ હોવા છતાં સરકાર દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે અને રાજકીય દબાણને કારણે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા ભગવા આતંકવાદી સંગઠનો ઉપર તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવે. છત્રાલ ગામમાં છેલ્લા ૩ મહિનાથી ચાલતી હિંસામાં સ્થાનિક પોલીસ, પોલીસ ઈન્સ્પેકટર તેમજ ડીવાયએસપી સોલંકી સુધીના તમામ અધિકારીઓને બરતરફ કરવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. છત્રાલ ગામમાં સાંપ્રદાયિક હિંસાના ભોગ બનેલ મૃતક ફરનાઝભાઈના પરિવારને ઈજાગ્રસ્ત રોશનબાનુને ગુજરાત વીકટીમ કમ્પેનસેશન સ્કીમ ર૦૧૬ હેઠળ વળતર ચુકવવામાં આવે છત્રાલ ગામમાં સાંપ્રદાયિક હિંસામાં ભોગ બનેલા મૃતક ઈજાગ્રસ્તોને માન વડાપ્રધાનશ્રીના નવા ૧પ મુદ્દાના કાર્યક્રમમાં પૈકી નાણાકીય જોગવાઈ કરી વળતર ચુકવવામાં આવે છત્રાલ ગામના તમામ બજરંગ દળના ભગવા આતંકીઓને સામે થયેલ કેસોમાં અલગ એસઆઈટી અથવા નિષ્પક્ષ તપાસ એજન્સીની નિમણૂક કરીને તપાસ કરવામાં આવે. આ સાંપ્રદાયિક હિંસાનો કેસ ચલાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવામાં આવે અને તેમાં કેસ ચલાવવામાં આવે અને ન્યાયિક પ્રક્રિયા જલ્દી કરવામાં આવે. કોમી બનાવવામાં અસરગ્રસ્તોના પુનઃવસન, મૃત્યુ, ઈજા, રોજગાર નુકસાનના વળતર માટે રાજય સરકાર નીતિ બનાવવાની પહેલ કરી. આ સમગ્ર મામલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ દોષિતો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માગણી કરીશું. જો તેમ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.