અમદાવાદ, તા.૧૮
રાજ્યના મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી રાજ્યમાં ક્રાઈમ રેશિયો તથા કાયદો અને વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ એસ.પી, રેન્જ આઈજી, પોલીસ કમિશનરોને સૂચના આપી હતી કેે તેમના જિલ્લા કે વિસ્તારમાં કન્વિકશન રેટ વધે તેવા હેતુ સાથે ફરાર આરોપીઓ, લાપતા બાળકો અને પ્રોહિબિશનના ગુનાઓ અંગે ઝુંબેશ ઉપાડીને લક્ષ્યાંક આધારિત કાર્યવાહી તેજ બનાવે, તેમાં ગુમ બાળકોને શોધવાની કામગીરી સઘન બનાવવા ખાસ સૂચના આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિંમતપૂર્વક આગળ વધે. પ્રજાને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તેવા પર્સેપ્શન સાથે અને અસામાજિક પ્રવૃતિઓ સામે સખ્તાઈથી પેશ આવવા પણ તેમણે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજ્યના મહાનગરોના પોલીસ કમિશનરો, રાજ્યની વિવિધ રેન્જના આઇ.જી તેમજ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, આઇ.જી.પી. નરસિંમ્હા કોમાર અને ગૃહ સચિવ નિપૂણા તોરવણે પણ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ કાળમાં કોરોના વોરિયર્સ તરીકે રાજ્યના પોલીસ બેડા એ જે કામગીરી પ્રજાના મિત્ર તરીકે અને પ્રજાહિતમાં કરી છે તેની પ્રસંશા કરી હતી. લોકડાઉનના પાલન અને હવે અન લોકડાઉનની સ્થિતિમાં પણ પોલીસની સરાહનીય કામગીરી માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પોલીસની કડપ અને છાપ જ એવા હો કે ગુનેગાર અને અસામાજિક તત્વો માથું ઉંચકી જ ના શકે તેવી ઈમાનદારી અને કડકાઈ માટે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. રાજ્ય સરકારે પોલીસ દળને સમય સાથે ચાલવા સજ્જ કર્યું છે અને સાયબર ક્રાઇમ, સીસીટીવી નેટવર્ક, વિશ્વાસ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ વગેરે દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓના નિવારણ અને સંશોધનમાં ઝડપ આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરહદી રાજ્ય-બોર્ડર સ્ટેટ તરીકે ગુજરાતની સંવેદનશીલતા ધ્યાનમાં લઇને ખાસ કરીને બોર્ડર ડિસ્ટ્રીકટમાં સતર્કતા સઘન બનાવવા અને કોસ્ટલ સિકયુરિટીને પણ સચેત રહેવા તાકિદ કરી હતી. તેમણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરો કોસ્મપોલીટીન બનતા જાય છે ત્યારે એ મહાનગરોમાં પણ ક્રાઇમ રેટ વધે નહિ, તેની કાળજી લેવા તાકીદ કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યમાં પ્રોહિબીશન સામેની કડકાઇમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહિ. એટલું જ નહીં, ગૃહ રાજ્યમંત્રીએ એ.સી.બી.ને પણ વધુ મેનપાવર, ટેકનોલોજીથી સજ્જ કરી ભ્રષ્ટાચાર સામેની લડાઇ વ્યાપક બનાવવાની મુખ્યમંત્રીની નેમ પાર પાડવા આહવાન કર્યુ હતું.