(એજન્સી) ભોપાલ, તા.ર૬
સ્ટુડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સીમી)ના આઠ કાર્યકરોના ભોપાલમાં થયેલા એન્કાઉન્ટર મામલે થયેલી ન્યાયિક તપાસમાં પોલીસને ક્લિનચીટ આપતાં જણાવવામાં આવ્યું હતું કે, ફરાર થયેલા લોકોનું મોત પ્રવર્તમાન સંજોગોમાં અનિવાર્ય અને વાજબી હતું.
૩૦ અને ૩૧ ઓક્ટોબર, ર૦૧૬ વચ્ચેની રાત્રે ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી સીમીના આઠ સભ્યો ફરાર થયા હતા. જેમનું ભોપાલ નજીક ટેકરી પર પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. એફિડેવિટને આધારે અપાયેલી ઝુબાનીને ટાંકતાં જજે જણાવ્યું હતું કે ફરાર થયેલા લોકોને આત્મસમર્પણ કરવા કહેવાયું હતું પણ તેમણે પોલીસ પર અને જાહેરમાં ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. જેથી પોલીસ માટે અનિવાર્ય હતું કે, ન્યાયિક હિરાસતોમાંથી ફરાર થયેલા આઠ લોકો પર વળતો ગોળીબાર કરે. પોલીસે કરેલા ગોળીબાર બાદ પણ આ લોકોએ સરેન્ડર થવાની તૈયારી દર્શાવી ન હતી. જેથી પોલીસ ગોળીબારમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
સોમવારથી મધ્યપ્રદેશ વિધાનસભાના શરૂ થયેલા ચોમાસુ સત્રમાં વહીવટી પ્રધાન લાલસિંહે આ રિપોર્ટ ગૃહમાં રજૂ કર્યો હતો. અગાઉ આ એન્કાઉન્ટર મામલે રાજ્ય પર પ્રહાર કરનારી કોંગ્રેસ ગૃહમાં રિપોર્ટ રજૂ થતી વખતે પ્રેક્ષક બની રહી હતી અને કોંગ્રેસે માત્ર મંદૌસરમાં ખેડૂતો પર થયેલા ગોળીબારનો રિપોર્ટ રજૂ કરવાની માગ કરી હતી. આ અંગે જે.કે. જૈનનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો છે. એન્કાઉન્ટર અંગે રજૂ થયેલા રિપોર્ટમાં જેલ સુરક્ષામાં ખામીની તપાસ માટે કમિટી રચવા નિર્દેશ કરાયો હતો અને પંજાબની જેમ રાજ્યના જેલ વિભાગને ટ્રેનિંગ આપવા જણાવાયું હતું.