અમદાવાદ, તા.૨૦
કોર્ટના ચુકાદા બાદ ભાજપ અને કોંગ્રેસ અને વચ્ચે આરોપ-પ્રતિઆરોપનું રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ ચુકાદાને સત્યના જય સાથે સરખાવી કહ્યું કે, અમે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આવકારીએ છીએ. માયાબેન અમારા એક સમયના સાથી હતા અને તેમણે અને તેમના પરિવારે વર્ષો સુધી ખોટા આરોપો સાથે સતામણીનો ભોગ બનવું પડ્યું છે. પરંતુ અંતે સત્યનો વિજય થયો છે જ્યારે ન્યાયતંત્રને ગુમરાહ કરવા માંગતા કોંગ્રેસને તેમનો જવાબ મળી ગયો છે. મીડિયા સાથે વાત કરતા નીતિન પટેલે કહ્યું કે, દેશની જનતાને ગેરમાર્ગે દોરવીને યેનકેન પ્રકારે સત્તા મેળવવામાં માનતા કોંગ્રેસને જસ્ટિસ લોયા કેસ બાદ કાયદાનો આ બીજી હાર છે. કોંગ્રેસ સત્તા મેળવવા એટલુ આંધળું થયું છે કે, લોકોની સાથે ન્યાયતંત્રને પણ ગેરમાર્ગે દોરવાનું ચૂકતું નથી. તેમણે વધુમાં કહ્યું કે, ‘જો માયાબેન ઈચ્છે છે તો તેઓ ફરીથી રાજકારણમાં જોડાઈ શકે છે.’