(એજન્સી) મુંબઈ, તા.ર૧
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને કોંગ્રેસની વચ્ચે કડવાહટ ધીમે-ધીમે ઓછી થતી જઈ રહી છે. કેટલાક દિવસો પહેલાં કોંગ્રેસને ટ્‌વીટર પર ફોલો કર્યા બાદ હવે અમિતાભ બચ્ચને પાર્ટીના પ્રવકતા મનિષ તિવારીને પણ ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. મનિષ તિવારી આ વાતથી ખૂબ જ ખુશ છે. અમે તેઓએ ટ્‌વીટ કરીને બિગ-બીને આના માટે આભાર માન્યો છે. તિવારીએ કહ્યું કે, આ તેમના માટે ખૂબ જ સૌહાર્દની વાત છે. તિવારીએ કહ્યું કે અમિતાભ બચ્ચન સર, તમે મને ટ્‌વીટર પર ફોલો કર્યો તેના માટે આભાર, મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે કે મને ભારતીય સિનેમાના આઈકોનિક સુપરસ્ટારને ફોલો કરવાનો અવસર મળ્યો. બચ્ચનજીની ફિલ્મો જ્યારે રિલીઝ થતી હતી ત્યારે અમે પહેલાં દિવસે પહેલો શો જોતા હતા. એવું કરતા અમે મોટા થયા. સિત્તેર અને એંશીના દાયકામાં ચંદીગઢમાં બાલકનીની ટિકિટ ૩ રૂપિયા હતી. આજના સમયે આ વાત પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હશે. આ પહેલાં અમિતાભ બચ્ચને કોંગ્રેસને ફોલો કરવાનું શરૂ કર્યું હતું જેથી કોંગ્રેસે પણ તેમનો આભાર માન્યો હતો.