અમદાવાદ,તા.ર૯
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલમાં જ ધો.૧ર અને ધો.૧૦ના બે વિષયોની પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. ત્યારે અમદાવાદના જજીસ બંગલા આગળ કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધોરણ ૧રની અર્થશાસ્ત્રની પરીક્ષા ર૭ માર્ચે અને ધોરણ ૧૦ની ગણિતની પરીક્ષા ર૮ માર્ચે યોજાઈ હતી. જેના પેપરો લીક થયા હતા. ત્યાર પછી ફરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ સીબીએસસીઈએ બુધવારે ગણિત અને ઈકોનોમિકસના પેપરો ફરી લેવાની જાહેરાત કરી હતી. જેનાં પડઘા સમગ્ર દેશની સાથે અમદાવાદમાં પણ પડયા હતા. કરે કોઈ અને ભોગવે કોઈ જેવો ઘાટ વિદ્યાર્થીઓનો થયો છે. ત્યારે અમદાવાદના જજીસ બંગલા આગળ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા લેવાના સીબીએસઈના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સીબીએસઈએ જણાવ્યું હતું કે પરીક્ષાની તારીખની જાહેરાત એક અઠવાડિયાની અંદર વેબસાઈટ પર કરવામાં આવશે. પ માર્ચથી શરૂ થયેલી પરીક્ષામાં આ વર્ષે દસમાં ધોરણમાં ૧૬,૧૮,૪ર૮ અને ધો.૧રમાં ૧૧,૮૬,૩૦૬ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.