નવી દિલ્હી,તા.૨૪
ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઇ છે જેનાથી આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી પડી શકે છે. જાપાનની બ્રોકરેજ કંપની નોમુરાએ તાજેતરમાં કહ્યુ કે, તેનાથી બજારની ગતિવિધિઓના પુનારંભરનું પરિદ્રશ્ય ચિંતાજનક બની રહ્યુ છે. નોમુરા એ મહામારી બાદ બજારની ગતિવિધિઓમાં સુધારણાને માપવા માટે સૂચકાંક તૈયાર કર્યો છે.
નોમુરાએ કહ્યુ કે, ૨૨ નવેમ્બરે સમાપ્ત સપ્તાહમાં સૂચકાંકે સાધારણ વૃદ્ધિ હાંસલ કરી છે. પરંતુ તે હજી પણ કોરોના મહામારી પૂર્વેના સ્તરથી નીચે છે. સૂચકાંકમાં એપલની સ્થિતિમાં તીવ્ર સુધારો જોવા મળ્યો છે જે અંતઃ કોરોનાની પૂર્વેના સ્તરે પહોંચી ગયો છે. તો ગૂગલમાં સુધારો જારી છેે. અલબત્ત, ઘણા રાજ્યોમાં કોવિડ-૧૯ના કેસો ફરી વધતા સ્થાનિક લોકડાઉન કે કરફ્યુ લાગુ કરવામાં આવ્યુ છે, જેને લઇને આર્થિક નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે. નોમુકાએ ચેતવણી આપી છે કે, લોકડાઉન આગામી બેથી ત્રણ મહિનામાં તબક્કાવાર સુધારણાની ગતિને ધીમી પાડી શકે છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે સોમવારે ફરી કોરોના વાયરસના કેસોમાં વધારો દર્શાવનાર રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે સ્ટાન્ડર્ડ ઓપરેશન્લ પ્રોટોકોલ એટલે કે એસઓપી જારી કરી છે. આવા રાજ્યોના લોકો પાસે નેગેટિવ કોરોના રિપોર્ટ હશે તો જ તેમને મહારાષ્ટ્રમાં પ્રવેશવા દેવામાં આવશે. જે રાજ્યોમાં કોરોના સંક્રમણના તાજેતરમાં મોટા પ્રમાણમાં નવા કેસો સામે આવ્યા છે, તેમને પણ ચેતવણી જારી કરી છે કે મહામારીની બીજી કહેર આવી શકે છે અને તેના લીધે ત્યાં ફરી લોકડાઉન આવી શકે છે.