(એજન્સી) લખનૌ, તા. ૨૮
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજા રાજ્યોથી પરત ફરી રહેલા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે રાતોરાત એક હજાર બસની વ્યવસ્થા કરીને તેમને પોતોના નિર્ધારિત સ્થળ પર પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. શુક્રવાર સવાર થતાની સાથે જ દિલ્હી સહિત અન્ય રાજ્યોમાંથી યુપી અને બિહારના લોકોના નોઇડા અને ગાઝિયાબાદ પહોંચવાના સમાચાર મળવા લાગ્યા હતા. યુપીના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સત્તાવાર ટ્રાન્સપોર્ટ વિભાગ, બસ ડ્રાઇવરો અને કન્ડક્ટરોને અધવચ્ચે ફસાયેલા લોકોને નોઇડા, ગાઝિયાબાદ, બુલંદશહર અને અલીગઢ સહિતના સ્થળો પર પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. કેટલાક લોકો તો વાહન નહી મળવાની સ્થિતિ વચ્ચે ચાલતા જ રવાના થઈ ગયા હતા.
યુપી સરકાર દ્વારા રાતના ગાળામાં જ એક હજાર બસની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. એટલુ જ નહીં આ લોકો અને તેમના પરિવાર માટે ખાસ કરીને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકડાઉનના ગાળા દરમિયાન કામ નહીં હોવાથી ઉત્તરપ્રદેશ, હરિયાણા અને અન્ય રાજ્યોના લોકો બીજા રાજ્યમાં ખાસ કરીને તેમના વતન માટે રવાના થયા હતા. પોલીસ દ્વારા પણ પુરતી મદદ કરવામાં આવી રહી છે. અધિકારીઓના કહેવા મુજબ લખનૌના ચાર બાગથી યાત્રીઓની સુવિધા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાનપુર, બલિયા, વારાણસી, ગોરખપુર, ફૈઝાબાદ, બસ્તી, પ્રતાપગઢ, સુલતાનપુર, અમેઠી, રાયબરેલી, ગૌંડા, ઈટાવા, બહરાઈચ જેવા જિલ્લાની બસો યાત્રીઓની લઈને રવાના થઈ હતી. પોલીસ મહાનિર્દેશક હિતેશ ચંદ્ર અવસ્તિ અને લખનૌના પોલીસ અધિકારી સુજિત કુમાર પાંડે તરફથી લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રદેશના મુખ્યમંત્રી યોગી સરકાર દ્વારા કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે ફસાયેલા મજુરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે લેવામાં આવેલા પગલાની સોશિયલ મિડિયા પર પ્રશંસા થઈ રહી છે. આજે સવારે સંકટ મોચક યોગી ટિ્‌વટર ઇન્ડિયા પર ટોપ ટ્રેન્ડમાં સામેલ થતા આની ચર્ચા જોવા મળી હતી. યોગીની કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે. રાતોરાત યોગી દ્વારા એક હજાર બસની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. મજુરો પોતાના ઘરે પહોંચી ગયા છે.