(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
કોરોના વાયરસ મહામારીને ફેલાતા અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા લાખો પરપ્રાંતિય મજૂરો, શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ અને પર્યટકો દેશમાં વિભિન્ન સ્થળે ફંસાઇ ગયા છે. લોકડાઉનના પાંચ સપ્તાહ બાદ જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસના લક્ષણો નહીં ધરાવતા પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ અને પર્યટકો હવે પોતાના વતને પાછા જઇ શકશે. કોવિડ-૧૯ના લક્ષણો નહીં ધરાવતા પરપ્રાંતિય મજૂરોને તેમના વતન પાછા જવા દેવાની માગણી કરતી ઘણી બધી અરજીઓ અંગે સુનાવણી કરતી વખતે સુપ્રીમકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યાના એક દિવસ બાદ કેન્દ્ર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે હરિયાણામાંથી ઉત્તર પ્રદેશના લોકોને તેમના વતન પહોંચાડવાની ઉત્તર પ્રદેશને પરવાનગી આપી હતી. કેન્દ્રના આ પગલાથી બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોએ લોકડાઉનની ગાઇડલાન્સ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. લોકડાઉનને કારણે રોડ, ટ્રેનો અને એર ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, રાજ્યોને પરપ્રાંતિય મજૂરોને તેમની સરહદો પાર કરવા નહીં દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
૧૦ મહત્વની બાબતો
૧. ગૃહ મંત્રાલયે તેના આદેશમાં રાજ્યોને ફસાયેલા લોકોની અવરજવર માટે પ્રોટોકોલ કે શિષ્ટાચાર ઘડી કાઢવા માટે નોડલ એજન્સીઓ નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે. પોતના વતન જનારાઓની તપાસ કરવામાં આવશે અને જે લોકોમાં કોરોના વાયરસના લક્ષણો જણાશે નહીં, તેમને જવા દેવામાં આવશે. પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ અને પર્યટકોનેે પોતાના વતન પહોંચી ગયા બાદ ૧૪ દિવસ સુધી ઘરે ક્વોરન્ટાઇમાં રહેવું પડશે.
૨. લોકોની અવરજવર માટે બસોને આંતરરાજ્યની મંજૂરી આપવામાં આવશે અને ટ્રિપ વચ્ચે બસોને સેનિટાઇઝ કરવી પડશે.આદેશમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે બસોમાં બેઠક વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે.
૩. લોકડાઉનનો ૩જી મેના રોજ અંત આવશે ત્યારે એક સપ્તાહથી પણ ઓછા સમયમાં આ આદેશ જારી કરવામાં આવ્યો છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશરે ૧૦ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે ચોથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તેમાં લોકડાઉનના એક્ઝિટ પ્લાન વિશે ચર્ચા કરવામાં આવી હતી.
૪. સૂત્રોએ જણાવ્યું ક ભાજપમાંથી જ દબાણ કરવામાં આવ્યા બાદ અટવાઇ ગયેલા લોકોને તેમના વતન જવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરપ્રાંતિય મજૂરોની કટોકટીથી પક્ષને રાજકીય રીતે નુકસાન થવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સાંસદો તેમ જ ધારાસભ્યો સાથેની બેઠક દરમિયાન ભાજપના વડા જેપી નડ્ડાને આ બાબતની અસરથી વાકેફ કરવામાં આવ્યા હતા.
૫. સોમવારે કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં જણાવ્યું હતું કે પરપ્રાંતિય મજૂરો માટે સરકારે ભારે ચિંતિત છે. કેટલા લોકોને તેમના વતન પહોંચાડવા, તેના વિશે સરકાર રાજ્યો સાથે મસલતો કરી રહી છે. અમે શક્ય બધા જ પ્રકારના પગલાં ભરી રહ્યા છીએ, એમ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું છે.
૬. હરિયાણાથી ૧૨,૦૦૦થી વધુ પરપ્રાંતિય મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે પગલું ભરનાર ઉત્તર પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એવું પણ જણાવ્યું કે તેઓ રાજસ્થાનના કોટોમાં અટવાઇ ગયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની પણ વિચારણા કરી રહ્યા છે.
૭. યોગી આદિત્યનાથના આ પગલાંથી પાડોશી રાજ્યો બિહાર અને ઝારખંડ અપસેટ થઇ ગયા છે. બિહારમાં ભાજપના સહયોગી નીતિશ કુમાર અને તેમની સરકાર લોકડાઉનના નિયમનું સંપૂર્ણ પાલન કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગને અનુસરવા પર અડીખમ છે.
૮. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૫મી માર્ચે લોકડાઉનનીે જાહેરાત કરવામાં આવતા લાખો પરપ્રાંતિય મજૂરો સમગ્ર દેશમાં અટવાઇ ગયા છે. ઘણા લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે તો કેટલાક પગપાળે પોતાના વતન પહોંચ્યા છે.
૯. શહેરામાંથી લોકો ગામડાઓ તરફ હિજરત કરતા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ અને કોરોના વાયરસ ફેલાવાની ચિંતાઓ વધી ગઇ છે. સરકારે રાજ્યોને તેમની સરહદો સીલ કરવાનો આદેશ આપ્યો હતો.
૧૦. કેન્દ્ર સરકારે પરપ્રાંતિય મજૂરોને એવી ખાતરી આપી હતી કે તેઓ જ્યાં રહે છે ત્યાંની રાજ્ય સરકારો તેમની દેખભાળ કરશે પરંતુ પાયાની વાસ્તવિક પરિસ્થિતિ સરકારના કથનથી વિપરીત હતી. દેશના વિભિન્ન ખૂણેથી ભૂખમરાના અહેવાલો આવી રહ્યા છે.