(એજન્સી) હૈદરાબાદ તા. ૧૦
તેલંગાણાના નિઝામાબાદના રહેવાસી એક મહિલા શિક્ષિકા રાજ્યમાં લાગૂ સખત લોકડાઉનની વચ્ચે પોતાના એક સાહસપૂર્ણ કામના લીધે ચર્ચામાં છે. નિઝામાબાદના બોધાનમાં એક સ્કૂલમાં શિક્ષિકા રઝિયા બેગમ લોકડાઉનના લીધે આંધ્રપ્રદેશના નેલ્લોરમાં ફસાયેલા પોતાના દીકરાને ઘરે પાછો લાવવા માટે પોતાની સ્કૂટી પર જ નીકળી પડ્યા. અંદાજે ૧૪૦૦ કિલોમીટરનું અંતર સ્કૂટી પર કાપી આખરે પોતાના દીકરાને ઘરે પાછો લાવવામાં સફળ રહી. રઝિયા બેગમે લોકડાઉનમાં બહાર નીકળવા માટે પોલીસ પાસે મંજૂરી લીધી હતી. નેલ્લોર પહોંચવા સુધી તેમને રસ્તામાં કેટલીય જગ્યાએ થોભવું પડ્યું. આ દરમ્યાન સ્થાનિક અધિકારીઓને અરજ કરતાં નેલ્લોર સુધી મુસાફરી કરી. તેમણે કહ્યું કે તેમના માટે આ સરળ નહોતું. વાત એમ છે કે રઝિયાનો દીકરો નિઝામુદ્દીન હૈદ્રાબાદમાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરાવે છે. તે ઇન્ટરમીડિએટનો વિદ્યાર્થી છે. ગયા મહિને નિઝામુદ્દીન નેલ્લોરના રહેવાસી એક મિત્રની સાથે પોતાના ઘરે બોધાન આવ્યો હતો. આ દરમ્યાન નિઝામુદ્દીનના મિત્રને સમાચાર મળ્યા કે તેમના પિતાની તબિયત સારી નથી. માહિતી મળતા જ ૧૨મી માર્ચના રોજ નિઝામુદ્દીન પોતાના મિત્રને લઇ નેલ્લોર નીકળી ગયો. આ બધાની વચ્ચે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા લોકડાઉન લાગૂ થયા બાદ તેઓ ઘરે પાછા ફરી શકયા નહીં. નેલ્લોરથી દીકરાની વાપસીનો કોઇ રસ્તો ના મળતા રઝિયાએ બોધનના એસીપી સાથે સંપર્ક સાંધ્યો અને તેમને તમામ વાત કહી.