(એજન્સી)
નવી દિલ્હી,તા.૧૧
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે ફાઈઝર દ્વારા ઉત્પાદિત કોવિડ-૧૯ની રસી ભારતીય નાગરિકોને ઉપલબ્ધ થવી જ જોઈએ અને એના વિતરણ બાબતે કેન્દ્ર સરકારે કઈ યોજના બનાવી છે એ સરકારે જણાવવી જોઈએ. રાહુલ ગાંધી કોવિડ-૧૯ની કટોકટી બાબતે સંપૂર્ણ જાગૃત છે અને એમણે ઘણી વખત કેન્દ્ર સરકારની કોરોના ટેસ્ટીંગ, લોકડાઉન લાગુ કરવા અને સ્થળાંતર કામદારોના પ્રશ્નો બાબતે સરકારની ઉગ્ર ટીકાઓ કરી હતી. કેન્દ્ર સરકારને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું એને ફાઈઝર સાથે રસીની ઉપલબ્ધતા માટે ચર્ચા કરી છે કે કેમ ? એના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કોરોના વાયરસ રસીના વહીવટ માટે નિમાયેલ રાષ્ટ્રીય નિષ્ણાંત ગ્રુપ દેશ અને વિદેશના બધા જ રસી ઉત્પાદકોના સંપર્કમાં છે. અમેરિકા આધારિત ફાર્મા કંપની ફાઈઝરે કોરોના વાયરસનો સામનો કરવા અસરકારક રસીની શોધ કરવાનો દાવો કર્યો છે. જે એમણે જર્મનીની બાયોએનટેક સાથે સહયોગ કરી વિકસાવી છે. એમણે જાહેર કરેલ ડેટા મુજબ રસી માનવ ટ્રાયલ દરમિયાન ૯૦ ટકા સફળ રહી હોવાનું કહ્યું છે. સમગ્ર વિશ્વની સરકારો એમના પરિણામોથી સંતુષ્ટ છે અને એમને આશા છે કે હવે કોવિડ-૧૯નો અંત આવશે. જેના લીધે વિશ્વમાં ૧૨ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.