(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૧
કતારગામ વેડરોડ વિસ્તારમાં રહેતા બિલ્ડરે બે ટકા વ્યાજે લીધેલા એક કરોડની સામે બેફામ બનેલા ફાયનાન્સરોએ રૂપિયા ત્રણ કરોડની માગણી કરી બિલ્ડરને હોળીના દિવસે ફરવા માટે બોલાવી પરિવાર સાથે વડતાલ સ્વામી નારાયણ મંદિરે દર્શન કરવા માટે જતા ફાયનાન્સરે તેના ઘરના દરવાજાનું તાળુ તોડી સામાન વેરવિખેર કરી કબજો કરી લીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. મળતી વિગત મુજબ મુળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામના વતની અને હાલ વેડરોડ ઓમ સત્યનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર વસંત પરસોત્તમ કાબરિયાએ સને-૨૦૧૪માં કામરેજમાં કુમકુમ સોસાયટીમાં રહેતા અને ફાયનાન્સનું કામ કરતા રિતુલ હિંમતભાઇ ગજેરાના પાસેથી ૨ ટકાના વ્યાજે રૂા.૧ કરોડ લીધા હતા. સમયસર વ્યાજ ચૂકતે કરવામાં આવતું હતું, દરમિયાન ૨૦૧૭માં વસંતભાઇ વ્યાજ ચૂકવી શક્યા ન હતા, ત્યારે રિતુલે સિક્યોરિટી પેટે તેમના ઘરની કબજો રસીદ લખાવી લીધી હતી. હોળીના દિવસે વસંતભાઇ પોતાના પરિવાર સાથે પૂનમ ભરવા માટે વડતાલ સ્વામી નારાયણ મંદિરે ગયા હતા, ત્યારે રિતુલ તથા તેની સાથે સીમાડા ભગુરાજ સોસાયટીમાં રહેતો દિપક અરજણ ડોંગા ઉપરાંત કતારગામ વિજયનગરમાં રહેતો હસમુખ અમરાવાળા, રમેશ ઉકાભાઇ મકવાણા, અભય હરસુખ વાળા તેમજ વિપુલ મધુભાઇ ગજેરા પહોંચી ગયા હતા. બાદમાં રિતુલ ગજેરા અને દિપક ડોંગાએ કબજા રસીદના આધારે મકાન ભાડેથી આપ્યાનો લેખ કરીને વસંતભાઇના ઘરમાં ઘુસી ગયા હતા અને તેઓનો સામાન બહાર ફેંકી દીધો હતો. બીજા દિવસે જ્યારે વસંતભાઇ સુરત આવ્યા, ત્યારે તમામ સામાન વેર-વિખેર હાલતમાં હતો. રિતુલ ગજેરાએ કહ્યુંં કે, ક્યાં તો મને મારા ૩ કરોડ આપી દે નહીંતર તારો આપ બંગ્લો મારા નામ ઉપર કરી દે. કહીને ગાળો બોલ્યા બાદ મારામારી થઇ હતી. આ દરમિયાન વસંતભાઇને ત્યાં કામ કરતો વ્યક્તિ આવ્યો હતો અને તેને મારામારી કરવાની ના પાડતા તેને પણ માર માર્યો હતો. આ ઉપરાંત ઘરના આજુબાજુમાં લગાડેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા. બનાવ અંગે કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ જી.એમ. ગમારા કરી રહ્યા છે.