માંગરોળ, તા.૪
માંગરોળ બંદરની ગોદીમાં રાખેલ લઘુમતી શખ્સની બોટ સળગી હોવાની હજુ આગ પણ ઠંડી થઈ નથી. ત્યાં ફરી બંદર વિસ્તારમાં એક ફાયબર કંપનીમાં બની રહેલી બોટ રહસ્યમય રીતે સળગી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
માંગરોળ બંદર વિસ્તારના બારા રોડ પર આવેલ રોશન ફાયબર કંપનીમાં કેટલીક નવી ફાયબર બોટો બનાવવાની કામગીરી ચાલી રહી હતી, એ દરમિયાન ગતરાત્રે એક બોટમાં રહસ્યમય રીતે આગ ભભૂકી ઊઠતાં આખી બોટ બળીને નાશ પામી હતી. ફાયબર કંપનીના માલિક પાસે જાણવા મળતી વિગતો મુજબ તેઓ મંગળવારે રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યા સુધી ફાયબર કંપનીમાં જ હતા. કંપનીનો વોચમેન પણ રાત્રે ૧૨ઃ૧૫ સુધી જાગી રહ્યો હતો. ત્યાર પછી આંખ લાગી જતાં ઊંઘી ગયેલ. જ્યારે ૧ઃ૧૫એ વોચમેનની આંખ ખૂલતા ફાયબર બોટમાં આગ સળગતી નજરે પડી હતી. વોચમેને તાત્કાલિક માલિકને ફોન કરી આગ લાગી હોવાની જાણ કરી હતી. આગ ઓલવવા લોકોએ મહા મથામણ કરવા છતાં આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયરબ્રિગેડની મદદથી કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. ત્યાં સુધીમાં વણાંકબારા સાગરખેડુની બની રહેલ ગાયત્રી કૃપા નામની બોટ બળીને નાશ પામી હતી. આ ઘટનાથી બોટ માલિકને ૨૦થી ૨૫ લાખનું નુકસાન થયું છે. જો આગ હજુ વધુ વકરી હોત બાજુમાં જ રહેલી બીજી બોટો પણ સળગી જાત અને નુકસાનનો આંકડો કરોડો વટાવી જાત.
વોચમેનની એક કલાકની નિંદરના ગાળામાં કેટલાક નઠારા તત્ત્વો કળા કરી ગયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બોટમાં પાછળના મશીનના ગાળામાંથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેને જોતાં ઘણા રહસ્યો ઉદ્‌ભવે છે. બોટની સાથે બાજુમાં આવેલી ઝાડની વાડ પણ બળીને ખાખ થઈ ગઈ છે જેનું બોટની આગ સાથે કોઈ કનેક્શન સમજાતું નથી. આ સાથે પાછળ ખેતરમાં ઘઉંના પાકમાં પણ પગપાગેરૂ જોવા મળતા અનેક તર્કવિતર્કો પેદા કરે છે. ઘટનાને પગલે માંગરોળ મરીન પોલીસે એફએસએલ ટીમ સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસ મરીન પોલીસ પીઆઇ એન.આઇ.રાઠોડ કરી રહ્યા છે.બે દિવસમાં બે-બે બોટોનું રહસ્યમય રીતે સળગી જતાં પોલીસ પણ સર્તક થઈ છે. ઘટનાની ગંભીરતાને પારખી ડીવાયએસપી જે.બી.ગઢવીએ મરીન પોલીસ સ્ટેશનમાં ખારવા અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજી હતી. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ ખોટી અફવાઓમાંના દોરવાઈ તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. આ સાથે બોટ સળગાવવામાં જો કોઈ કસૂરવાર હશે તો તેની સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.
માંગરોળ બંદર પર ખારવા અને મુસ્લિમ સમાજ એકબીજા સાથે વર્ષોથી સંપીને માછલા અને બોટો બનાવવાના વેપાર ધંધા સાથે સંકળાયેલા છે જે કેટલાક ચોક્કસ તત્ત્વોને માફક આવતું નથી. ત્યારે સોશિયલ મીડિયામાં વધી રહેલી નફરત વચ્ચે કેટલાક લોકો પોતાના રાજકીય રોટલા શેકવા આ બંને સમાજ વચ્ચે દરાર પેદા કરવા કોઈ મોટું ષડયંત્ર તો રચી રહ્યા નથી અને આ ષડયંત્ર કોઈ ભયાનક સ્વરૂપ લે એ પહેલાં માંગરોળ મરીન પોલીસ અને એસ.પી. કક્ષાએથી કડક વલણ અપનાવી અસામાજિક તત્ત્વોને ડામી દે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.