અમદાવાદ, તા.૧૬
અમદાવાદ શહેરમાં વધુ એકવાર આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાનો બનાવ બન્યો છે. આ લૂંટની ઘટનામાં થયેલા ફાયરિંગમાં કર્મચારીનું મોત નિપજ્યું છે જ્યારે લૂંટારૂઓ લૂંટના ગુનાને અંજામ આપીને રફુચક્કર થઈ ગયા છે. જો કે શાંતિ અને સલામતિની વાતો કરતી ગુજરાત પોલીસના દાવા આ ઘટનાએ પોકળ સાબિત કરી દીધા છે તેમ કહીએ તો નવાઈ નહીં. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં આશ્રમ રોડ ઉપર આવેલી ગૂજરાત વિદ્યાપીઠ પાસે વહેલી સવારે ફાયરિંગની ઘટના ઘટી હતી. જેમાં આંગડિયા પેઢીના કર્મીનું મોત નિપજ્યું હતું. તો ટુ વ્હીલર પર આવેલા ચાર લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મચારી ઉપર અંદાજે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ રૂા.પ લાખની લૂંટ કરીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની વિસ્તૃત વિગતો એવી છે કે આંગડિયા પેઢીમાં કામ કરતા અરવિંદભાઈ રતનપોળથી પાલનપુર જવા નીકળ્યા હતા ત્યારે અરવિંદભાઈને તેમની ઓફિસનો ડ્રાયવર જીપમાં ગૂજરાત વિદ્યાપીઠ પાસે ઉતારીને ગયો હતો ત્યારે અરવિંદભાઈ પાલનપુર જવા માટે એસટી બસની રાહ જોતા હતા તે દરમિયાન હેલમેટ પહેરીને ચાર લૂંટારૂઓ બાઈક ઉપર આવ્યા હતા અને તેઓએ અરવિંદભાઈ પાસે રૂા.પાંચ લાખની રોકડ ભરેલી બેગ છીનવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અરવિંદભાઈએ લૂંટારૂઓની બેગ ખેંચવાની ઘટનાનો પ્રતિકાર કર્યો ત્યારે લૂંટારૂઓએ તેમના ઉપર ફાયરિંગ કરીને તેમની પાસેના પાંચ લાખથી વધુની રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા ત્યારે બીજી બાજુ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત અરવિંદભાઈને સારવાર અર્થે તાત્કાલિક વીએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું સારવાર વેળા જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તથા સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસે નાકાબંધી કરી દીધી હતી. તેમજ એફએસએલની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આંગડિયા પેઢીના કર્મચારી ઉપર ફાયરિંગ કરી લૂંટનો બનાવ બન્યો તેમાં કોણ જાણભેદુની જ સંડોવણી હોવાની શક્યતા હાલ તો સેવાઈ રહી છે. ત્યારે અરવિંદભાઈને જીપમાં મૂકવા આવેલા ડ્રાઈવર સહિત અન્ય કર્મચારીઓની પોલીસ પૂછપરછ કરે તેવી શક્યતા છે.