(એજન્સી) લંડન,તા. ૪
લંડન કોર્ટમાં વિજય માલ્યાની પ્રત્યાર્પણ કેસની સુનાવણી શરૂ થઈ જેમાં વિજય માલ્યા હાજર રહ્યા હતા. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં હાજર થતાં પહેલા માલ્યાએ કહ્યું કે તેમની પર લગાડવામાં આવેલા તમામ આરોપો ખોટા, બનાવટી, મનઘડંત છે. માલ્યાએ કહ્યું કે હું વારંવાર કહી ચૂક્યો છું કે આરોપ ખોટા, બનાવટી, પાયાવિહોણા છે. મારે આ અંગે કંઈ પણ કહેવું નથી. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા તમામ આરોપો પર્યાપ્ત છે. પોતાના વકીલો સાથે જથ્થાબંધ પુરાવાઓ લઈને કોર્ટમાં આવેલા માલ્યાએ પોતાનું જૂનું પુરાણું વલણ હું દોષી નથી, ને વળગી રહ્યાં હતા. માલ્યાએ આ અંગે વધુ કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે નિર્ણય મારે કરવાનો નથી, કેસ આગળ ચલાવી રહેલી સીબીઆઈની ચાર સભ્યોની એક ટીમ કોર્ટમાં હાજર રહી હતી. વકીલ માર્ક સમીર્સની આગેવાનીવાળા ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ ભારત સરકાર વતી કેસ લડી રહી છે. જોકે કોર્ટ રૂમમાં ફાયર એલાર્મ વાગતાં ખટલો થોડી વાર પૂરતો અટકાવી દેવામાં આવ્યો હતો અને કોર્ટ રૂમને ખાલી કરાવી દેવામાં આવી હતી. લગભગ ૪૦ મિનિટના વિરામ બાદ ફરી વાર સુનાવણી શરૂ થઈ હતી. શરાબ કારોબારી વિજય માલ્યા પર ભારતની ૧૭ બેન્કોના ૯ હજાર કરોડ રૂપિયાનું દેવું બાકી છે. જે માલ્યાએ તેમની બંધ થયેલી એરલાઈન્સ કિંગફિશર માટે કર્યું હતું. એટલું જ નહીં પરંતુ માલ્યા પર ખોટી રીતે લેણદેણ તથા મની લોન્ડરીંગનો પણ કેસ ચાલી રહ્યો છે. ભારતે ચાલુ વર્ષના જૂનમાં વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યો હતો. મોટાભાગના ભારતીયોને એવી ઈચ્છા છે કે વિજય માલ્યાને ભારત લાવવામાં આવે અને અહિં ગુનાહિત કેસોનો સામનો કરે.