(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૪
દરિયાપુર વિધાનસભા મત વિસ્તારના જનતાદળ યુનાઈટેડના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ફારૂક શેખે ગત મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખને સમર્થન જાહેર કરતા દરિયાપુરમાં કોંગ્રેસની જીત હવે આસાન બની ગઈ છે. ગ્યાસુદ્દીન શેખને સામેથી બોલાવી ફારૂક શેખે પોતે તેમને સમર્થન કરે છે તેવી જાહેરાત કરી હતી. આથી ગત મોડી રાત્રે બંને પક્ષના કાર્યકરો એકઠા થયા હતા અને કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાના વચન આપ્યા હતા.
આ તબક્કે જિંદાદિલ ઉમેદવાર ફારૂક શેખે જણાવ્યું હતું કે હું હાલના ધારાસભ્ય અને હવે પછી બનનારા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને મારૂં સમર્થન જાહેર કરૂં છું કોંગ્રેસની સરકાર બનશે તો ગ્યાસુદ્દીન શેખ મંત્રી પણ બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મે કોંગ્રેસ પક્ષની વફાદારી માટે આ પગલુ ભર્યું છે. ફોર્મ ભરતા પહેલાં કોંગ્રેસના આગેવાનોને મેં વિશ્વાસમાં લીધા હતા પરંતુ યોગ્ય જવાબ ન મળતા મારે આ પગલુ ભરવું પડયું હતું પરંતુ પાછળથી મને મારી ભૂલનો અહેસાસ થયો હતો અને સમાજ અને કોંગ્રેસ પક્ષના હિતમાં હું ગ્યાસુદ્દીન ભાઈને મારૂં સમર્થન જાહેર કરૂ છું. ફારૂક શેખનો આ મુજબનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ફરતો થતા ચોમેરથી તેમની પ્રસંશા થઈ રહી છે અને હજી પણ જે બેઠક પર અપક્ષ ઉમેદવારો છે તેઓ પણ સમાજના હિતમાં જીતી શકે તેવા ઉમેદવારને તેમનું સમર્થન જાહેર કરે તેવી માગ બુલંદ બની છે.