(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
પીએનબી કૌભાંડમાં ઈડીએ મેહુલ ચોકસીની ૧૨૧૭ કરોડની ૪૧ સંપત્તિઓ જપ્ત કરી છે. જપ્ત સંપત્તિઓમાં મુંબઈના ૧૫ ફ્લેટ અને ૧૭ ઓફિસ સામેલ છે. સાથે કોલકત્તામાં એક શોપિંગ મોલ પણ સામેલ છે. અલીબાગનું એક ફાર્મહાઉસ સહિત તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ૨૩૧ એકર જમીન પણ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગે નીરવ મોદી ગ્રુપની બીજી ૪ સંપત્તિઓ જપ્ત કરી છે જેમાં એક ફાર્મહાઉસ અને સોલર પાવર પ્લાન્ટ પણ સામેલ છે. આ સંપત્તિની કિંમત ૭૦ કરોડ રૂપિયા છે. આવકવેરા વિભાગે કહ્યું કે ગીતાંજલિ જૂથના ૩૪ કરતા પણ વધારે બેન્ક ખાતાઓ અને એફડીને પણ જપ્ત કરવામાં આવી છે જેમાં ૧.૪૫ કરોડ રૂપિયાની કુલ રકમ કહેવામાં આવી રહી ચે. સીબીઆઈ કૌભાંડની તપાસ દરમિયાન વધુ એક ધરપકડ કરી છે. એમકે શર્મા જે ચીફ મેનેજર કક્ષાના અધિકારી છે તેમની ધરપકડ કરવામાં આવી છે. શર્મા મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. જપ્ત કરવામાં આવેલી ૪૧ સંપત્તિઓની કુલ રકમ ૧૨૧૭ કરોડ છે. પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી સામે ઈડી અને સીબીઆઈની સંયુક્ત તપાસ ચાલી રહી છે. સરકારે નીરવ અને મેહુલ ચોકસીનો પાસપોર્ટ રદ કરી નાખ્યો છે.