મુંબઇ,તા.૨૨
ટીમ ઇન્ડિયાની ફિટનેસને એક અલગ સ્તરે લઇ જવા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એક નવા પ્લાન પર કામ કરી રહ્યું છે. જેમાં શારીરિક રીતે ખેલાડીઓને વધુ મજબૂત બનાવવા પર ફોક્સ કરવામાં આવશે. હવે બીસીસીઆઇ કોઇ પણ ખેલાડીની ટીમમાં પસંદગી ત્યારે જ કરશે જ્યારે તે બે કિલોમીટરની દોડ લગભગ ૮ મિનિટ અને ૩૦ સેકેન્ડની અંદર પૂરી કરશે.
આ માહિતી ઇન્ડિયન એક્સપ્રેસ પર બીસીસીઆઇના એક સૂત્રએ આપતાં કહ્યું કે, બોર્ડને લાગ્યું કે હાલના ફિટનેસ ધોરણોએ આપણી ફિટનેસને અલગ સ્તરે પહોંચાડવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે. હવે આ ફિટનેસ સ્તરને બીજા સ્તરે લઇ જવું મહત્વપૂર્ણ છે. આટલું જ નહીં, આમાં બોર્ડ દર વર્ષે ધોરણોને અપડેટ પણ કરતું રહેશે. નવી પ્રથા પ્રમાણે, ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવા માટે ઝડપી બોલર્સને બે કિલોમીટરની દોડ ૮ મિનિટ ૧૫ સેકન્ડમાં પૂરી કરવી પડશે. જ્યારે વિકેટકીપર, બેસ્ટમેન અને સ્પિન બોલર્સને આમાં થોડી રાહત આપવામાં આવી છે. તેમણે દોડ ૮ મિનિટ ૩૦ સેકન્ડમાં પૂરી કરવી પડશે. આ અંગે બીસીસીઆઇ ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે પહેલાં જ સહમતી આપી હતી. જ્યારે આ અંગે ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં જ માહિતગાર કરાયા હતા. આ ટેસ્ટ ફેબ્રુઆરી, જૂન અને ઓગસ્ટ-સપ્ટેમ્બરની વિન્ડોમાં લઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં જે ખેલાડી ટીમ ઇન્ડિયાનો ભાગ હતા તેમણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ લિમિટેડ ઓવર્સ ક્રિકેટ ટીમમાં આવતાં પહેલાં આ નવા ટેસ્ટમાંથી પસાર થવું પડી શકે છે.