અમદાવાદ,તા.૬

માસ્ક મામલે રાજ્ય સરકારે મહત્ત્વનો આદેશ કર્યો છે. આ મામલે રાજ્ય સરકારે તમામ વિભાગોને લેખિત આદેશ કર્યો છે. આદેશ પ્રમાણે ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક ન પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ પાછળનું કારણ એવું છે કે આવા માસ્ક કોરોના સામે રક્ષણ નથી આપતા. આ મામલે આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને એક પત્ર મોકલ્યો છે. આ સાથે જ જે તે આરોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તારના લોકો આવા માસ્કનો ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરે. આ ઉપરાંત લોકોમાં આવા માસ્ક ન પહેરવાને લઈને જાગૃતિ આવે તેવા પ્રયાસો શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે. જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક તરફથી તા. પાંચમી ઓક્ટોબરના રોજ લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી. આ સમયે માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે. હાલમાં પ્રજાજનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારના માસ્ક પૈકી ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આવા માસ્ક કોરોનાનાં વિષાણું સામે પૂરતું રક્ષણ આપતા નથી. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ આ પ્રકારના માસ્કનો ઉપયોગ ન કરવા માર્ગદર્શિકા આપવામાં આવી છે. આથી આપના વિસ્તારમાં તમામ પ્રજાજનો વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરશો. વધુમાં આપની કક્ષાએથી વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરવા માટે લોક જાગૃતિ ફેલાય તે પ્રકારના પ્રયત્નો હાથ ધરશો. ઉલ્લેખનીય છે કે આ પહેલા વિશ્વ આરોગ્ય સંગઠન  તરફથી પણ ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો ઉપયોગ ન કરવા માટે ભલામણ કરવામાં આવી છે. ડબલ્યુએચઓના મતે આ પ્રકારના માસ્કને કારણે કોરોનાનું સંક્રમણ અટકાવી શકાતું નથી. જે બાદમાં ભારત સરકારે પણ આવા માસ્કનો ઉપયોગ ન કરવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી.