માંગરોળ, તા.૧૧
હાલમાં સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અતિ પછાત એવા ઉમરપાડા તાલુકાના ચાવડાથી વાડી ગામ સુધી જતી ફિલ્ટર પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર ફિલ્ટર પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું.
આ અંગે ઉમરપાડા તાલુકાના કોંગ્રેસના સર્વશ્રી હરીશ વસાવા, જગતસિંહ વસાવા, રામસિંહ વસાવા, દિનેશભાઈ વસાવા વગેરેએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે ઉમરપાડા તાલુકાના ચાવડા ગામથી રાજ્યના કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના ગામ વાડી સુધી ફિલ્ટર પાણી પહોંચાડવાની યોજના કરોડો રૂપિયાના ખર્ચ ઊભી કરવામાં આવી છે. આ યોજના ઊભી કરવાને ચારથી પાંચ વર્ષ થયા છે. છતાં ઉમરપાડા તાલુકાના કેટલાક ગામોમાં પીવાનું પાણી હજુ પહોંચ્યું નથી. વળી, હાલમાં ઉનાળાની મૌસમ ચાલી રહી છે અને ઉમરપાડા તાલુકાના અનેક ગામોમાં પીવાના પાીણનો વિક્ટ પ્રશ્ન ઊભો થયો છે તેવા સમયે ચાવડાથી વાડી જતી ફિલ્ટર પાણીની પાઈપલાઈનમાં કેવડીથી બિજલવાડી ગામની વચ્ચે ડી.જી.વી.સી.એલ.ની કચેરી સામે આ પાઈપલાઈનમાં મોટું ભંગાણ પડતા હજારો લીટર પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું છે. આ સ્થળની ઉપરોક્ત કોંગ્રેસી પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ માંગ કરી છે કે, જે સ્થળે પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે ત્યાં યુદ્ધના ધોરણે સમારકામ કામ કરવામાં આવે, જેથી ભર ઉનાળે પ્રજાજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે.