અમદાવાદ, તા.૭
કોરોના મહામારીના કારણે છેલ્લા માર્ચ મહિનાથી શાળાઓ-કોલેજો સંપૂર્ણપણે બંધ છે. હાલમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. પરંતુ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને હજુ શૈક્ષિણક સંસ્થાઓ શરૂ કરવામાં આવી નથી તેમ છતાં રાજ્યમાં અનેક જગ્યાએથી એવી ફરિયાદો ઊઠી રહી છે કે, ખાનગી શાળાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ પર ફી ભરવા માટે દબાણ કરી રહી છે. ખાનગી શાળાઓની દાદાગીરી ત્યાં સુધી પહોંચી છે કે, જો વિદ્યાર્થીઓ-વાલીઓ ફી ન ભરી શકે તો તેમને શાળા છોડી દેવા માટે ફરજ પાડી રહી છે અને વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટીફિકેટ આપતા પહેલાં પણ ફી ભરવાની અનૈતિક માગણી કરવામાં આવી છે. આ અગાઉ પણ વડોદરામાં કેટલીક શાળાઓ દ્વારા ચાલી રહેલી લૂંટ સામે ધ્યાન દોર્યું હતું તેમ છતાં જે તે શાળાઓ સામે પગલાં ન લેવાતા આજે અન્ય શાળાઓ પણ વાલીઓ વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિને કે કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખ્યા વિના જ રાજ્ય સરકારના આદેશની વિરૂદ્ધ જઈને પણ ફરી ઉઘરાવી રહી છે. આ સંજોગોમાં તાત્કાલિક દરમિયાનગીરી કરવા ઓલ ઈન્ડિયા ડીએસઓએ રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે કે, તમામ વિદ્યાર્થીઓની આ સત્રની ફી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે, કોરોના મહામારીના કારણે જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, એવા સમયે ફી ઉઘરાવવાની માગણી કરતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ વિરૂદ્ધ તાત્કાલિક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તથા તમામ ખાનગી સંચાલકોને નિયંત્રણમાં રાખવા માટે તેમની પાસે ફીની વિગતો મંગાવવામાં આવે.