અમદાવાદ,તા. ૨૯
આવતીકાલે રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ સપ્તાહના અંતિમ દિવસે તા.૩૦મી ડિસેમ્બરના રોજ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય) દ્વારા શહેરમાં જાગો ગ્રાહક જાગો, સરકારને જગાડોના કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું છે. દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે સરકારના ફી નિયમન કાયદાને બહાલ કરતાં હવે સ્વનિર્ભર શાળા સંચાલકોની મનસ્વી દાદાગીરી અને બેફામ ફી ઉઘારણાંની ઉઘાડી લૂંટ બંધ કરાવવા સમિતિના પ્રમુખ મુકેશ પરીખની આગેવાની હેઠળ ગ્રાહક સુરક્ષા અને અખિલ ભારતીય શિક્ષણ પરિષદના સંખ્યાબંધ કાર્યકરો આવતીકાલે બપોરે ૨-૩૦થી ૪-૩૦ દરમ્યાન ભદ્રકાળી મંદિર પાસે, લાલદરવાજાના ભરચક વિસ્તારમાં જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવશે. આવતીકાલના કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાય તેવી શકયતા છે. શિક્ષણજગતનું વ્યાપારીકરણ અટકાવવા, શાળા સંચાલકોની દાદાગીરી અને મનમાની લૂંટ-નફાખોરી અટકાવવા સંખ્યાબંધ કાર્યકરો દ્વારા સરઘસાકારે કુચ કાઢવામાં આવશે અને ગ્રાહક જાગૃતિ તેમ જ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓને સંગઠિત કરવા અને આ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામેલ થવા પત્રિકાઓ-સાહિત્યનું વિતરણ કરાશે. આ પ્રસંગે કાર્યકરો દ્વારા વિશાળ બેનરો, પ્લે કાર્ડ અને પોસ્ટરો સાથે માર્મિક અને સંદેશાત્મક સૂત્રો દ્વારા પણ પોતાની વાતો રજૂ કરાશે. આ અંગે ગ્રાહ્‌ક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, શિક્ષણ સંસ્થાઓના સંચાલકોને પણ ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડે છે. નિયત ફી થી વધુ ફી લેવી અને નિયત સગવડો નહી આપી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે છેતરપીંડી કરી સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકટિસ કરનાર આવા કસૂરવાર શાળા સંચાલકો વિરૂધ્ધ ગ્રાહક ફોરમો વળતર અને ન્યાય આપવાનો હુકમ કરી શકે છે, માત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓએ જાગૃત થવાની જરૂર છે. હાઇકોર્ટના ચુકાદાને આવકારતાં મુકેશ પરીખે જણાવ્યું કે, સરકારના ફી નિયમન કાયદા મુજબ જ ફી ના અમલ તેમ જ આરટીઇ એકટની અમલવારી માટે પણ આગામી દિવસોમાં જોરદાર ઝુંબેશ ચલાવાશે. તેમણે ઉમેર્યું કે, વાલીઓ આવા નફાખોરી રળતા બદમાશ સંચાલકો સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદો કરી શકે છે, અમારી સંસ્થા વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય અપાવવા સદાય તત્પર રહેશે. આવા લાંચિયા, ભ્રષ્ટ અને નફાખોર સંચાલકોને ખુલ્લા પાડવા વિદ્યાર્થીઓ અને વાલીઓ નિર્ભયતાપૂર્વક આગળ આવે એવી પણ તેમણે અપીલ કરી હતી.