અમદાવાદ, તા.૧૩
ગુજરાતના સરકારના ફી નિર્ધારણ કાયદાને ગુજરાત હાઇકોર્ટની બહાલી અને સુપ્રીમકોર્ટ દ્વારા તેમાં વાલીઓના પ્રતિનિધિત્વને સમાવી નવેસરથી ફી રેગ્યુલેશન કમીટીની રચના અંગે કરાયેલા વચગાળાના આદેશ બાદ હજુ પણ શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેની તનાવ અને ઘર્ષણ ચાલુ જ રહ્યા છે. ફી માળખાને લઇ શાળા સંચાલકો અને વાલીઓ હજુ પોતપોતાના અર્થઘટન પર અડી રહ્યા છે અને તેને લઇ વિવાદ વકરી રહ્યો છે. તાજેતરમાં જ પ્રોવીઝનલ ફી ગૂંચવણના મામલે શાળા સંચાલકો અને વાલીઓ તરફથી રાજય સરકારના શિક્ષણવિભાગમાં ઉગ્ર રજૂઆત પણ કરાઇ હતી. જેને પગલે હવે સરકાર દ્વારા પ્રોવીઝનલ ફી માળખુ નક્કી કરવાના ભાગરૂપે રાજયની આશરે ૪૫૦ જેટલી શાળાઓની યાદી અને વિગતો મંગાવવામાં આવી છે. સરકાર દ્વારા મંગાવાયેલી યાદીમાં ગુજરાત બોર્ડ ઉપરાંત, સીબીએસઇ બોર્ડ અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓનો પણ સમાવેશ થાય છે. શિક્ષણવિભાગના નિષ્ણાતો દ્વારા પ્લે ગ્રુપથી લઇ ધોરણ-૧૨ સુધીની આ શાળાઓમાં વિદ્યાર્થીની સંખ્યા, ફીની વિગતો, સુવિધાઓ અને વિદ્યાર્થીદીઠ કરાતા ખર્ચ સહિતની વિગતો ચકાસશે અને ત્યારબાદ ચોકસાઇપૂર્વકનું પ્રોવીઝનલ ફી માળખુ ઘડવાની દિશામાં કવાયત હાથ ધરશે. શિક્ષણ વિભાગ દ્વારા રાજયના દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(ડીઇઓ) પાસેથી પ્રોવીઝનલ ફી નક્કી કરવા માટે જિલ્લાદીઠ મંગાવેલી ૧૫ શાળાઓની યાદીમાં પાંચ શાળા ગુજરાત બોર્ડની, પાંચ શાળા સીબીએસઇ બોર્ડની અને પાંચ શાળા ઇન્ટરનેશનલ બોર્ડની સમાવાઇ છે, તેથી દરેક જિલ્લાના ડીઇઓએ આ મુજબની શાળાની વિગતો સરકારને મોકલવાની રહેશે. કેટલાક જિલ્લા ડીઇઓ દ્વારા આ પંદર શાળાઓની યાદી તૈયાર પણ કરી દેવાઇ છે.