(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૮
રાજ્યની ખાનગી સ્વનિર્ભર શાળાઓની ફી નિયમન અંગે ગતરોજ હાઈકોર્ટે આપેલા ચુકાદા બાદથી વાલીઓએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી કોર્ટના ચુકાદાને આવકાર્યો તો ખરી પરંતુ તેની અમલવારી કયારથી અને કેવી રીતે થશે ? શાળા સંચાલકો તેનો ખરેખર અમલ કરશે કે કેમ ! તે અંગે દ્ધિધા અનુભવી રહ્યા છે. આથી આ પ્રશ્નોના સમાધાન માટે કેટલાક જાગૃત વાલીઓ આવતીકાલે ડીઈઓ અને ડીપીઓની મુલાકાત લઈ શંકાનું સમાધાન કરે તેવી શકયતા છે. સ્કૂલોની ફી અંગે હાઇકોર્ટનો ચુકાદો આવ્યા બાદ જે વાલીઓએે અત્યાર સુધી ત્રણ તબક્કાની ફી ભરી દીધી છે તેઓ હવે ચોથા તબક્કામાં કેટલી ફી ભરવાની રહેશે તેની અસમંજસમાં છે. હાઇકોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૮થી અમલ એવો નિર્દેશ કરવામાં આવ્યો છે જેના કારણે ચાલુ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૭માં જુદી જુદી શાળાઓએ ફી ઉઘરાવી છે તેનું શુ થશે તેમાં વધારે કેટલી ફી વાલીઓએ ભરવી પડશે તે અંગે પણ દ્વિધા જોવા મળી હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને પુછતાં તેઓે કહે છે હાલ તો ‘થોભો અને રાહ જુઓ’ તેવી સ્થિતિ ઉભી થઇ છે. જો શાળા સંચાલકો દ્વારા આવતીકાલથી વાલીઓ પાસે વધારાની ફી માંગવામાં આવે તો શુ કરવું? તેવા પ્રશ્નો પણ વાલીઓ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા. કેટલાક વાલીઓ દ્વારા આ મુદ્દે શુક્રવારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જઇને આ તમામ પ્રશ્નો અંગે પુછપરછ કરવાનું નક્કી કર્યુ છે. વાલીઓ કહે છે હાઇકોર્ટે ચુકાદો આપી દીધા બાદ હવે તેનો કડક અમલ કરાવવો તે સરકારની જવાબદારી છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા કડક અમલ કરાવવામાં આવે તેવી માંગણી પણ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. જે વાલીઓએ જુદી જુદી સ્કૂલોમાં વધારે ફી ભરી દીધી છે તેમને પાછી મળશે કે કેમ તેની પણ મુંઝવણ ઉભી થઇ છે. જો કે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સૂત્રો કહે છે હવે કોઇ શાળા સંચાલક દ્વારા વધારાની ફી માંગવામાં આવે તો જયા સુધી કમિટી દ્વારા ફી ભરવાની સ્પષ્ટતા કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ ફી ભરવાની રહેતી નથી. ફી નિયમન વિધેયક અમલ બાદ તમામ સ્કૂલોએ તેનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ માટે સરકાર દ્વારા દંડની જોગવાઈ પણ નક્કી કરી છે. જેમાં પ્રથમવાર કાનુન ભંગ બદલ રૂ. ૫ લાખના દંડની જોગવાઈ છે. ત્યારબાદ બીજી વખતના કાનુન ભંગ માટે રૂ. ૫ લાખથી રૂ. ૧૦ લાખનો દંડ કરવાની જોગવાઈ છે. જયારે ત્રીજી વાર કાનુન ભંગ માટે શાળાની માન્યતા રદ અને એન.ઓ.સી. પરત ખેંચવાની કાર્યવાહીની ભલામણ સમિતિ કરશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે.શાળા સંચાલકોએ ફી નિયમન સમિતિ દ્વારા નિયત ફી કરતા વધુ ફી વસુલી હશે તો વધારાની ફી કરતા બમણી ફી પરત કરવાની રહેશે.