(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૦
શહેરની નવરચના સ્કૂલ તથા શાનેન સ્કૂલ દ્વારા વધારાની ફી નહીં ભરનાર ૨૦ જેટલા વિદ્યાર્થીઓને એલ.સી. આપી દેવાતાં વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આજે વાલીઓએ આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી શાળાઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ફી અધિનિયમનો કાયદો લાગું કરાવા બાદ આ મામલે શાળા સંચાલકો અદાલતના દ્વારે ગયા છે. ત્યારે ચાલુ વર્ષનો અંત થતો હોઇ શાળાઓ પણ નક્કી કરેલી ફી ભરવા વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે. શહેરની નવરચના હાઇસ્કુલ તથા શાનેન સ્કૂલ દ્વારા શાળા દ્વારા નક્કી કરેલ ફી નહીં ભરનાર ૨૦ જેટલા વિદ્યાર્થીઓને એલ.સી. આપી દેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શાળા સંચાલકો ફી મુદ્દે દાદાગીરી કરી રહ્યાં હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.આ મામલે આજે નવરચના તથા શાનેન સ્કુલનાં વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં વાલીઓએ શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી શાળા સંચાલકો દ્વારા ખોટી રીતે એલ.સી.અપાઇ હોવાનું જણાવી શાળા સામે પગલાં લેવાની માંગણી કરી હતી. જ્યારે બીજી બાજુ શાળા સંચાલકો દ્વારા સુપ્રિમ કોર્ટની સૂચના તથા શિક્ષણમંત્રીએ પણ વાલીઓને હાલ શાળા દ્વારા નક્કી કરેલ ફી ભરી દેવા જણાવ્યું હોવા છતાં વાલીઓ ફી નહીં ભરી સુપ્રિમ કોર્ટ તથા શિક્ષણમંત્રીની સૂચનાનું અનાદર કરી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.