અમદાવાદ, તા.૭
રાજ્યની સ્વનિર્ભર શાળાઓ માટે રાજ્ય સરકારે લાગુ પાડેલ ફી નિયમન એક્ટ અંગે ૧ ફેબ્રુઆરીના રોજ સુપ્રીમકોર્ટે કરેલા વચગાળાના આદેશના કેટલાક મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને આદેશ મેળવવા આજે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા આ અરજી આજે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે, જે આવતીકાલે મેન્શન થશે, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના ફી નિયમન અંગેના કાનૂનના અમલ સંદર્ભે તથા જે જૂના કેસ નક્કી થઈ ગયા છે તેના અમલ અંગે પણ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી સ્પષ્ટતા અંગે દાદ માંગી છે. શિક્ષણમંત્રીએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ફી નિયમન એક્ટનો અમલ વર્ષ ર૦૧૭-૧૮ના વર્ષની અસરથી થાય તે માટે આગ્રહી હોવાથી તેનો વર્ષ ર૦૧૭-૧૮થી જ અમલ થાય તે માટે સુપ્રીમ કોર્ટની આ એપ્લિકેશન દ્વારા દાદ માંગી છે. ઉપરાંત જે કેસ અંગે જે તે સમયે ફી નિર્ધારણ કમિટી દ્વારા ફી નિર્ધારણ અંગેના આદેશો થઈ ગયા છે તેનો અમલ કરવા બાબતે પણ સુપ્રીમ કોર્ટમાં માર્ગદર્શન મેળવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેના વચગાળાના આદેશમાં એવો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે આ આદેશ સંદર્ભે વધુ સ્પષ્ટતાઓ કે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે અરજદાર કે પક્ષકારે માત્ર સુપ્રીમ કોર્ટમાં જ રજુઆત કરવાની રહેશે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જરૂરી માર્ગદર્શન કે સ્પષ્ટતા મેળવવા અરજી કરી છે.