(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
ફી નિયમન અધિનિયમ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને આવકારી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓને કોર્ટના આદેશનું પાલન કરવા અપીલ કરી છે. તેમણે શાળાઓને કોર્ટના આદેશનું પાલન કરવા અપીલ કરી છે તેમણે શાળાઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે, ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા માટે હોલ ટિકિટ નહીં આપનાર શાળા સંચાલકો સામે માન્યતા રદ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે કાયદાનો અમલ કયારથી કરવો તે બાબતે સ્પષ્ટતા હતી નહીં હવે સ્પષ્ટતા થઈ ગઈ હોવાથી વર્ષ-ર૦૧૭-૧૮થી કાયદાનો અમલ કરવામાં આવશે.
શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટે તા.૦૧-૦ર-ર૦૧૮ના હુકમમાં દર્શાવ્યા પ્રમાણે શાળા કોઈ પ્રોવિઝનલ ફી જાહેર કરીને લઈ શકશે પરંતુ તેનાથી વધારે ફી લઈ શકશે નહીં. પ્રોવિઝનલ ફી એક વચગાળાની વ્યવસ્થા હોઈ, તેને ડિપોઝીટ ગણવાની રહેશે. આ પ્રોવિઝનલ ફી, ફી નિયમન સમિતિ તથા સુપ્રીમ કોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે. જેને સરભર કરવાની નિયમન સમિતિ તથા સુપ્રીમ કોર્ટના આખી ચુકાદાને આધીન રહેશે. જેને સરભર કરવાની રહેશે. પ્રોવિઝનલ ફી માટે હાલ કોઈ સ્લેબ નક્કી કરી શકાય નહીં. કારણ કે, તે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધિન છે. આ કાયદાકીય લડાઈમાં બન્ને પક્ષોને પોતાની વાત રજૂ કરવાની પૂરતી તક મળી છે. હવે બન્ને પક્ષકારો એટલે કે, સરકાર અને શાળા સંચાલકોએ ફરજીયાત પણે આ વચગાળાના હુકમનું પાલન કરવાનું રહેશે.
ફી નિયમન માટે વધુ સુનાવણી આગામી ૩ મેના રોજ રાખવામાં આવી છે. રાજ્યની ચાર ફી નિયમન સમિતિના અધ્યક્ષપદે નિવૃત્ત જજ અથવા નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ તેમજ રીવીઝન સમિતિના અધ્યક્ષ તરીકે હાઇકોર્ટના બે નિવૃત્ત જજ રહેશે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે,૧૨ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે. ત્યારે ફી માટે હોલ ટિકિટ રોકી રાખવાની ધમકી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ. આ રીતે વિદ્યાર્થીના ભાવી સામે ચેડાં કરનાર શાળા સંચાલકોના કૃત્ય અંગે ગંભીરતાથી નોંધ લઇ શાળાની માન્યતા રદ કરવા સુધીના આકરા પગલાં ભરવાની તેમણે ચેતવણી ઉચ્ચારી છે. પિટિશનર શાળાઓએ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના શૈક્ષણિક વર્ષ માટે ફી રેગ્યુલેશન કમિટી સમક્ષ દરખાસ્ત અને હિસાબો રજૂ કરવાના રહેશે. સરકારને ફી નક્કી કરવા માટે અપાયેલી મુક્તિ મર્યાદામાં ફેરવિચારણા કરી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં નોટિફીકેશન બહાર પાડવા જણાવ્યું છે. આ ફેરવિચારણા માટે રચાયેલી સમિતિ તેનો અહેવાલ સરકારને સુપરત કરશે. આ પછી બે અઠવાડિયામાં શાળાઓએ તેમની દરખાસ્ત ફી નિર્ધારણ કમિટીને કરવાની રહેશે. આ સમિતિ ત્યારબાદ બે અઠવાડિયામાં પ્રોવિઝનલ ફી જાહેર કરશે. તેની સામે એક અઠવાડિયામાં શાળા સંચાલકોના વાંધા આવ્યા બાદ સમિતિ ચાર અઠવાડિયામાં આખરી ફી નક્કી કરશે. તેના ૨૧ દિવસમાં શાળાઓ ફી રીવીઝન સમિતિને રજૂઆત કરી શકશે.
ફી માટે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નહીં આપનાર શાળાઓની માન્યતા રદ કરાશે

Recent Comments