(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬
ફી અધિનિયમનો કાયદાનો અમલ ન થતા શહેરની નવરચના સ્કુલ સામે તંબુ બાંધીને ઉપવાસ આંદોલન પર બેસવાનો પ્રયાસ કરનાર એક સામાજીક કાર્યકરની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
ફી નિર્ધારના અમલ માટે વાલીઓને બાઇ-બાઇની ચારણીની રમત રમાડી રાજય સરકાર દ્વારા શાળા સંચાલકો અને વાલીઓને એક સમાન દ્રષ્ટીએ જોવાનાં અભિગમનાં કારણે વાલીઓ વધુ હેરાન થઇ રહ્યાં છે. ફી અધિનિયમન સામે શાળા સંચાલકો સુપ્રિમ કોર્ટમાં ગયા હોઇ આગામી ૧૮મી એપ્રિલનાં રોજ તેની સુનાવણી થવાની છે. તે પૂર્વે શાળાઓ દ્વારા પોતે નિર્ધારીત કરેલી ફી ઉઘરાવી લેવામાં આવી છે. જ્યારે જે વાલીઓએ ફી નથી ભરી તેવા વિદ્યાર્થીઓને શહેરની કેટલીક શાળાઓ દ્વારા એલસી આપી દેવાતા વાલીઓ વિરોધમાં ઉતર્યા છે.
આજે શહેરની નવરચના સ્કુલની સામે એક સામાજીક કાર્યકર શિવપ્રકાશ દુબે એ તંબુ બાંધી ઉપવાસ આંદોલન પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સામાજીક કાર્યકરે પોલીસની કે વહીવટી તંત્રની આ અંગે કોઇ પરવાનગી લીધી ન હોવાથી દોડી આવેલી પોેલીસે આ કાર્યકરની અટકાયત કરી હતી. જ્યારે તેનો તંબુ ખોલાવી હટાવી દીધો હતો. જેનાં પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને વાલીઓ આંદોલન કરી કાર્યકરની તરફેણમાં સમા પોલીસ મથકે દોડી ગયા હતા.