અમદાવાદ, તા.૩૧
રાજ્યમાં ફી વધારાના મુદ્દે શાળા સંચાલકો અને વાલીઓમાં ગજગ્રાહ વધી રહ્યો છે. ફી ન ભરતા વિદ્યાર્થીઓને એલ.સી. આપી દેવાની ધમકી અને પરિણામો અટકાવી દેવાતા વાલીઓ રોષે ભરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ સહિતના શહેરોમાં વાલીઓએ હવે શાળા સંચાલકો સામે બાંયો ચઢાવી ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની પોદ્દાર ઈન્ટરેશનલ સ્કૂલમાં સ્કૂલ સંચાલકોની દાદાગીરીથી વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ તફાવતની રકમ ભરી આપવાની બાંહેધરી આપી હોવા છતાં સંચાલકો ટસ ના મસ ન થયા હતા. તેથી મોટી સંખ્યામાં વાલીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
એ જ રીતે બોપલ વિસ્તારમાં ડીપીએસ સ્કૂલના વાલીઓ આજે સ્કૂલ સંચાલકો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ૨ એપ્રિલે ફી ભરો નહિ તો પ્રવેશ રદ એવું સ્કૂલ સંચાલકોએ કહેતા અને વાલીઓને જીસ્જી અને ઇ-મેલ દ્વારા ફી ભરવા દબાણ કરાતા વાલીઓ વિફર્યાં હતા. પીડીસી જમા કરાવવા ૬ એપ્રિલે ખાતામાં નાખવામાં આવશે. બંને ઓપ્શન સ્વીકારવામાં નહીં આવે તો પ્રવેશ રદ્દ કરવાની ધમકી સ્કૂલ સંચાલકો દ્વારા આપવામાં આવી હતી. કંપનીના બુટ પહેરશો તો જ ભણવા મળશેની સંચાલકોની દાદાગીરી અને ફી ભરવા માટે અવાર-નવાર દબાણ કરાતુ હોવાની ફરિયાદો ઉઠતા આખરે વાલીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
સુરતના પાલ વિસ્તારમાં આવેલી એલ. પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરિણામ ન આપતા વાલીઓ રોષે ભરાયા હતા. ફી રસીદ બતાવો અને પરિણામ લઈ જાઓ એવી સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ મેદાનમાં આવ્યા હતા. વિરોધ બાદ વાલીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. ડીઈઓ કચેરી ખાતે જઈ વાલીઓએ ધરણાં કરી અને રામધૂન પણ બોલાવી હતી.
ભરૂચના કેસરોલ ગામ પાસે આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં યૂથ કોંગ્રેસના કાર્યકરો અને વાલીઓએ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ આક્ષેપો કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ફી ન ભરનાર વિદ્યાર્થીઓના પરિણામ અટકાવાતા વાલીઓ વિફર્યાં હતા. વાલીઓના વિરોધને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
આમ રાજ્ય સરકારના છુપા આર્શીવાદ હોય તેમ શાળા સંચાલકો ફી વધારા મુદ્દે રાજ્ય સરકાર કે સુપ્રીમકોર્ટ કોઈને ગાંઠતા ન હોવાથી વાલીઓએ હાલ તો ઉગ્ર લડતના મંડાણ કર્યા છે પરંતુ તેમની આ લડત ક્યાં સુધી ટકે છે તે આગામી સમય જ બતાવશે.