રાજ્યમાં ઠંડીનું આક્રમણ શરૂ થઈ ગયું છે, બે-ચાર દિવસ સામાન્ય તાપમાન રહ્યા બાદ પુનઃ કડકડતી ઠંડીનો દોર શરૂ થઈ જાય છે. હાલ પણ રાત્રે ઠંડા પવન ફૂંકાતા હોવાથી અંગ ધ્રૂજાવતી ઠંડી પડી રહી છે. આવી ઠંડીમાં ફૂટપાથ પર રહેતા કે કાચા ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારોની હાલત કફોડી થઈ જાય છે. જો કે સમાજમાં એવા કેટલાય સખી દાતાઓ છે, જેઓ આવા બસહારા લોકોનો સહારો બનતા હોય છે. અમદાવાદ શહેરના વાસણા વિસ્તારની આ તસવીર ગરીબોની લાચારીની ચાડી ખાય છે. અંગ દઝાડતી ગરમી, ધોધમાર વરસાદ કે કડકડતી ઠંડીમાં પણ ફૂટપાથ જ જેમનું ઘર છે તેવા ગરીબ પરિવારો રાત્રે ખૂલ્લામાં જ સૂઈ રહે છે. ઘરની ચાર દીવાલોમાં રૂમ હીટરના સથવારે પણ થરથર ધ્રૂજતા માલેતુજારો એકવાર ખુલ્લામાં સુવાનો પ્રયત્ન કરી જુએ તો તેમને આવા લાચાર લોકોની પરિસ્થિતિનો સાચો ખ્યાલ આવશે.
Recent Comments