(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
તા. ૭મી જુન, ૨૦૨૦ના રોજ વર્લ્ડ ફુડ સેફટી દિવસની ઉજવણી પ્રસંગે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યોની ફુડ સેફટી એક્ટની કામગીરી અને ફુડના કાયદાના અસરકારક અમલીકરણ-કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતુ. જેમાં દેશના ૨૦ મોટા રાજ્યો પૈકી ગુજરાત રાજ્યનો પ્રથમ ક્રમ આવ્યો છે. આ મૂલ્યાંકનમાં તમિલનાડુ બીજા ક્રમે, મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે અને કેરળ રાજ્યનો ચોથા ક્રમે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ એવોર્ડની પસંદગીમાં મુખ્ય પાંચ બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં, ફૂડ સેફ્ટી અંગે કાયદા-નિયમોનું પાલન, ખોરાકના નમુનાનું પૃથ્થકરણ-ક્ષમતા અને સર્વેલન્સ, કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ, સ્ટાફ-ખાદ્ય ઉત્પાદકો અને વેપારીની ટ્રેનિંગ તથા તંત્ર પાસે ઉપલબ્ધ માનવબળ અને બેસ્ટ પ્રેક્ટિસીસનો સમાવેશ થાય છે. આ એવોર્ડ વર્લ્ડ ફુડ સેફટી દિવસ નીમિત્તે FSSAI, દ્વારા આયોજીત વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, દ્વારા આ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી કોશિયાએ યાદીમાં જણાવ્યું છે.