(એજન્સી) તા.૯
વર્ષ ર૦ર૦માં હિન્દી સિનેમા જગતમાં કેટલાક ચમકતા સટારને લોકોએ ગુમાવી દીધા છે. તેમાંથી એક શ્રેષ્ઠ અભિનેતા ઈરફાન ખાન પણ છે. જે ૬ મહિના પહેલા પોતાની બીમારીના કારણે આપણને છોડીને જતા રહ્યા. હાલમાં ઈરફાનના કેટલાક મિત્ર તેમને યાદ કરતા તેમની કબર પર પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર ફોટો જોઈ તેમના ફેન્સ કબરની સ્થિતિ જોઈ ઘણા નિરાશ થયા હતા. ઈરફાન ખાનની કબરની સ્થિતિ જોઈ બધા અભિનેતાની પત્ની સુતાપા પર નિશાન સાધી રહ્યા હતા. જેના જવાબમાં તેમણે લોકોને કહ્યું હતું કે મહિલાઓને કબ્રસ્તાનમાં જવાની પરવાનગી નથી. તેમણે જણાવ્યું કે ઈરફાન સાથે તેમની કેટલીક મનગમતી વસ્તુઓ પણ દફનાવવામાં આવી છે. ત્યાં હવે ઈરફાન ખાનની કબરની કેટલીક નવી તસવીરો સુતાપાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં કબર ગુલાબના ફૂલોથી શણગારેલી છે અને ચારે બાજુ સફેદ કલરનો પેન્ટ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે સુતાપા અને તેમના પુત્ર ઈરફાનને યાદ કરીને કેટલીક ઈમોશનલ તસવીરો અને પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરે છે. એક ઈન્ટરવ્યુ દરમ્યાન સુતાપાએ જણાવ્યું હતું કે ઈરફાનની યાદો હંમેશા તેમને તૂટવાથી બચાવી લે છે. તેમનું કહેવું છે લગ્ન પછી પણ તેમણે ક્યારેય પણ તેમનામાં ખામી કાઢી નથી. તે હંમેશા એક સારા પતિ અને પિતા સાબિત થયા.