અમદાવાદ,તા.૧ર
હાલ અનેક સ્થળોએ પ્રદૂષણની સમસ્યા માથું ઉંચકી રહી છે તેની પાછળ પ્રદૂષણ કરતા લોકો અને ઉદ્યોગોને તંત્ર કે સરકારનો કોઈ ડર રહ્યો હોય તેવું લાગતું નથી, ત્યારે અમદાવાદના બાવળાના મોરૈયા ગામના આસપાસના વિસ્તારમાં આવેલી અનેક ફેકટરીઓ કેમિકલયુકત પાણી છોડે છે જેના પરિણામે ખેડૂતોની અનેક જમીનો બંજર બની છે, ત્યારે આ મુદ્દે તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું !!
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રદુષણની સમસ્યા વધી રહી છે. મોરૈયા ગામના વિસ્તારમાં ૮૦૦ જેટલી ફેકટરીઓ છે. જેના કારણે મોરૈયા ગામની ૧૦૦ હેકટર જમીન બંજર બની ગઇ છે. જો કે તંત્રએ પણ તબેલામાંથી ઘોડા છુટ્યા બાદ તાળા મારવા જેવો ઘાટ સર્જ્યો છે. કારણ કે અમદાવાદના સનાથલથી બાવળા સુધી ઘણી ફેક્ટરીઓ છે અને ફેક્ટરીઓ ઝેર ઓકી રહી છે. જમીન બંજર થઈ ગઈ છે. ખેડુતોની ફરિયાદને લઈ જિલ્લા વિકાસ અધિકારી એક્શનમાં આવ્યા છે.તો રોડ ઓથોરિટીએ ફેકટરીઓને નોટીસ ફટકારી છે.
ખેડૂત મનુભાઈએ જણાવ્યું હતું કે કેમિકલ પાણીને કારણે જમીનમાં કોઈ પાક થતો નથી. જમીનના માલિક હતા પરંતુ અત્યારે મજુર બની ગયા છીએ. મજૂરી કરીને ઘર ચલાવવું પડે છે. ખેડૂતોની સમસ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે કેમિકલ યુક્ત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે પ્રમાણેનો પ્લાન બનાવી રહ્યા છીએ.
મહત્વપૂર્ણ છે કે નેશનલ હાઈવેના રોડની બાજુમાંથી ગટર લાઈન નિકળતી હતી. જેમાં ફેકટરીઓ દ્વારા ગેરકાયદે જોડાણ આપી દીધા હતા. ફેકટરીઓમાંથી રોડની ગટર લાઈનમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. પરંતુ તે ગટર લાઈન બ્લોક થઈ ગઈ અને કેમિકલનુ પાણી ખેડુતોના ખેતરમાં ફરી વળ્યુ હતું. ૨૦૦૪થી ફેકટરીઓનુ પ્રમાણ વધ્યુ અને ધીમે ધીમે પ્રદુષણ વધ્યુ. પ્રદુષણની અસર ૨૦૦૭થી થવા લાગી છે. ફેકટરીઓને અનેક વખત નોટીસ આપી છે પરંતુ આજ દીન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જમીન બંજર બની ગયા પછી પ્લાન તૈયાર કરી રહ્યા છે.