(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
મહિધરપુરાના લાલદરવાજા ખાતે આવેલ વિપી ભવનમાં સોનાના દાગીના બનાવવાની ફેકટરીમાં કામ કરતો મેનેજર લાખો રૂપિયાના દાગીના લઈ ગયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
કેનેડાના ઓનથલિયું ખાતે રહેતા અકરમ પીરજાદા પરિવાર સોનું ગાળવાની ફેક્ટરી ધરાવે છે. સુરતના લાલદરવાજા ખાતે આવેલ વીપી ભવનમાં પણ એક ફેકટરી આવેલી છે. આ ફેકટરીમાં અનિલ શર્મા (નિલમનગર સોસાયટી, સાયણ) નામનો યુવક મેનેજર તરીકે નોકરી કરતો હતો. ૫ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ અનિલને તકનો લાભ મળતા ફેકટરીમાંથી ૯૮૦ ગ્રામ સોનાની બિસ્કીટ અને ડાયમંડની વીટી સહિત લાખો રૂપિયાના સોનાના દાગીના લઈને નાસી છૂટ્યો હતો. બનાવ સંદર્ભે અકરમ ભાઈની ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે ફેકટરીના મેનેજર વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.