અમદાવાદ,તા.૩
કેન્દ્રની માહિતી અને પ્રસારણ વિભાગે ખોટા સમાચારનો મુદ્દો ઉભો કરી એક્રિડિટેટ પત્રકારોનું એક્રિડિટેશન ૬ મહિનાથી લઈ કાયમી રદ કરવાનો પરિપત્ર કર્યો હતો. જો કે ભારે વિવાદ બાદ મંગળવારે આ પરિપત્રમાં આદેશ ઉપર પ્રતિબંધ લાદી દેવાયો હતો. ત્યારે પત્રકારોની માન્યતા રદ કરવાના કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગના આદેશ અંગે પ્રતિક્રિયા આપતા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મોદીજીએ નિર્ણય કર્યો છે કે ફેકન્યૂઝ ચલાવનારા પત્રકારોની માન્યતા રદ કરવાનો આદેશ પરત ખેચવામાં આવે કેમ કે ફેકન્યૂઝ નહીં ચાલે તો મોદીજી કેવી રીતે ચાલશે ? એવી ટવીટ કરીને હાર્દિકે વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. વધુ એક ટવીટમાં હાર્દિકે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકારની લાપરવાહીના લીધે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. પરંતુ રાજય સરકાર મારૂતિ સુઝુકી કંપનીને ૧પ વર્ષ સુધી આઠ હજાર કરોડની સહાય કરશે. એટલે ભાજપ ખેડૂત અને યુવાનોની નહીં પણ વેપારીઓની પાર્ટી છે. વધુમાં હાર્દિકે ટવીટમાં જણાવ્યું હતું કે ભાજપ આંદોલનથી ડરતી નથી. કેમ કે તેની પાસે નાણાંની તાકાત છે. અત્યારે ભાજપ સાયલન્ટ ભ્રષ્ટાચાર કરીને દેશભરમાંથી મોટી સંખ્યામાં નાણાં એકઠા કરી રહી છે. ભાજપ આગામી લોકસભાની ચૂંટણી નાણાંના જોરે લડશે અને ખરબો રૂપિયા ખર્ચ કરશે. પ્રજા સામે ભાજપ શુદ્ધ પાર્ટી હોવાનો ઢોંગ કરે છે. પરંતુ નોટબંધી દેશનું સૌથી મોટુ કૌભાંડ છે. એમ હાર્દિક પટેલે ટવીટ કરીને જણાવ્યું હતું.