(એજન્સી) તા.૧૧
જેમાં લોકસભાના સાંસદ બદરુદ્દીન અજમલના સમર્થકોએ પાકિસ્તાન તરફી નારાબાજી કરી હતી તેઓ આક્ષેપ કરનાર આસામના પ્રધાન હેમંત વિશ્વશર્માએ પોસ્ટ કરેલ વીડિયો પર ફેસબુકે ગેરમાહિતાની તાકિદ આપી હતી તે હટાવી લીધી છે. આસામ પોલીસે જો કે સમુદાયો વચ્ચે શત્રુતા ભડકાવવા બદલ પ્રધાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અહેવાલ અનુસાર ફેસબુકે અગાઉ આ વીડિયોને ખોટી માહિતીની કેટેગરીમાં મૂક્યો હતો અને યુઝર્સને તે વીડિયો શેર કરતાં અટકાવ્યાં હતાં. ફેસબુકની પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજકારણીઓ થર્ડ પાર્ટી ફેક્ટ ચેકિંગ પ્રોગ્રામમાંથી બાકાત છે અને હેમંત વિશ્વશર્માની પોસ્ટ સાથે ખોટી માહિતીનો ટેગ ખોટી રીતે સામેલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ફેસબુકની પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે મીમ કે ચેડાં કરવામાં આવેલ ફોટોગ્રાફ્સ અને વીડિયો જેવા ખોટા સમાચારો અને અન્ય વાઇરલ ગેરમાહિતીના પ્રસારને ઘટાડવા માટે મદદરુપ થવા થર્ડ પાર્ટી ફેક્ટ ચેકર્સનો આશ્રય લઇએ છીએ. ફેસબુક થર્ડ પાર્ટી ફેક્ટ ચેકિંગમાંથી રાજકારણીઓને મુક્ત રાખે છે. તે ફેક્ટ ચેકિંગ રેટિંગ ભુલથી આ પોસ્ટ પર લાગુ કરવામાં આવ્યું હતું અને હવે હટાવી લેવાયું છે. વિરોધ પક્ષ કોંગ્રેસે સોમવારે હેમંત વિશ્વશર્મા વિરુદ્ધ ગુવાહાટીમાં એફઆઇઆર દાખલ કરી હતી અને એવો દાવો કર્યો હતો કે પ્રધાને ગેરમાર્ગે દોરનારા નિવેદન અને જૂઠી ફેસબુક પોસ્ટ મારફતે બંને સમુદાયો વચ્ચે ધાર્મિક તંગદિલી ભડકાવવા સાથે સોશિયલ મીડિયા પર પોતાના વિધાનો પોસ્ટ કર્યા હતા. પોલીસ દ્વારા આઇપીસીની કલમ-૧૫૩-એ અને ૫૧૧ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.