(એજન્સી) તા.૧૦
અભિનેતા મોહમ્મદ ઝીશાન અય્યૂબને આપ સૌ કોઈ ઓળખતા જ હશો. નો વન કિલ્ડ જેસિકા જેવી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરનારા ઝીશાન અય્યૂબે રાંઝણા, રઈસ, ઝીરો તથા આર્ટિકલ ૧૫ જેવી ફિલ્મોથી સારી એવી ઓળખ મેળવી છે. તેમણે ધ ક્વિન્ટ સાથેની વાતચીતમાં પોતાના રાજકારણ અંગેના વિચારોને મુક્તમને રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આજે દેશમાં તબ્લીગી જમાત વિરૂદ્ધ જે રીતે ઝેર ફેલાવાઈ રહ્યો છે તે ખોટું છે. લોકો મુસ્લિમોને ખોટી રીતે નિશાન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આજે મુસ્લિમો વિરૂદ્ધ સમાજમાં ફક્ત ઝેર ફેલાવવાનું જ કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, શાહીનબાગના દેખાવોનું હાલ કોઈ અંત આવ્યું નથી. આ તો દુનિયાભરમાં ફેલાયેલી મહામારીને કારણે શાહીનબાગના દેખાવકારો આપમેળે જ ત્યાંથી હટી ગયા હતા. પરંતુ મીડિયા દ્વારા તેને ખોટી રીતે બતાવાયું કે આ લોકોને તગેડી મૂકાયા. એવું કંઈ હતું નહીં. આ દેખાવોનો કોઈ અંત આવ્યો નથી. જ્યારે સ્થિતિ સામાન્ય બની જશે ત્યારે ફરીવાર સરકારને આવા ભેદભાવપૂર્વ કાયદાઓ મામલે પડકારવામાં આવશે. હજુ પણ કોઈ શાહીનબાગના દેખાવકારોનો જુસ્સો ખતમ થયો નથી. આ તો ફક્ત કોરોના વાયરસની મહામારીને કારણે એકજૂટતા બતાવવાનો જ મામલો છે કે, દેખાવકારો હટી ગયા છે. તેમણે ફેક ન્યૂઝ મામલે કહ્યું હતું કે, જે રીતે આપણે જાણીએ છીએ કે જમણેરી પાંખનું આ એજન્ડા જ રહ્યું છે કે, તેઓ હંમેશા ફક્ત પહેલાં તો લોકોને બદનામ કરવામાં જ માને છે. આપણે શાહીનબાગના દેખાવકારો મામલે જ જોઈ લીધું હતું કે, તેઓ અહીં બેસેલી મહિલાઓનું કેરેક્ટર બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ કહ્યું કે, જમણેરી પાંખના લોકો પહેલાં તો આ દેખાવોને બગાડવા માટે પોતાના વ્યક્તિઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પંરતુ તેનાથી પણ તેઓ સફળ ન થતાં તેઓએ ફેક ન્યૂઝનો સહારો લીધો. તેઓએ નીચલી કક્ષાની રાજનીતિ અને નીચલી કક્ષાના શબ્દો વાપર્યા. તેનાથી તેમની વિચારધારા લોકોની સામે આવી ગઈ. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં મીડિયા ચેનલો ફક્ત પ્રોપોગેન્ડા ન્યૂઝ ચેનલ બનીને રહી ચૂક્યા છે. તેમની પાસે કંઈ બતાવવા માટે હોતું નથી એટલા માટે તેઓ ફક્ત પ્રોપોગેન્ડા બતાવતા રહે છે. તેઓ સમાચાર વિશે વાતો કરતા નથી. તેઓ ફક્ત ઘૃણા ફેલાવવામાં જ માને છે. જે રીતે સરકારો સત્તામાં ફરીવાર આવી છે તે પણ બતાવી જ દે છે કે, તેઓ ઘૃણાને કારણે જ ફરી સત્તામાં આવી શક્યા હતા.