(એજન્સી) વોશિંગ્ટન, તા.પ
ફેસબુકના ૮ કરોડ ૭૦ લાખ ઉપયોગકર્તાઓના પર્સનલ ડેટાની પોલિટિકલ કન્સલ્ટન્સી એનાલિટિકાએ ચોરી કરી છે. સોશિયલ મીડિયા જગતની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક ફેસબુકે આની પુષ્ટી કરતા જણાવ્યું કે કેમ્બ્રિજ એનાલિટિકા સાથે આશરે ૮ કરોડ ૭૦ લાખ ઉપયોગકર્તાઓના ડેટા ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કર્યા હતા.
કેમ્બ્રિજ એનાલિટિકા સાથે ફેસબુકે જે ૮ કરોડ ૮૭ લાખ લોકોના પર્સનલ ડેટા શેર કર્યા છે તેમાં મોટાભાગના લોકો અમેરિકાના રહેવાસી છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપ માટે કામ કર્યું હતું. ફેસબુકના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઈક સ્ક્રોપરે એક બ્લોગ પોસ્ટ પર લખીને આ જાણકારી સાર્વજનિક કરી છે.
ફેસબુકે જણાવ્યું કે અમે ત્રીજી પાર્ટીની એપ્લિકેશન દ્વારા યૂઝર્સના પર્સનલ ડેટામાં ચોરીને રોકવા માટે મોટા પગલા ભરી રહ્યા છીએ. ત્યારે આ મામલે ઝુકરબર્ગે જણાવ્યું કે તમામ ભૂલો છતાં પણ ફેસબુકને ચલાવવા માટે હું યોગ્ય વ્યક્તિ છું.
આપને જણાવી દઈએ કે ન્યુઝ સ્ટોરી, ચૂંટણીમાં હસ્તક્ષેપ, અને પ્રાઈવસી સાથે જોડાયેલા કૌભાંડનો માર સહન કરી રહેલી વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીને રોકાણકારો, ઉપયોગકર્તાઓ અને રાજનેતાઓના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ગત મહિને ફેસબુકે સ્વીકાર્યું હતું કે કરોડો યુઝર્સના પર્સનલ ડેટા ખોટી રીતે કેમ્બ્રિજ એનાલિટિકાના હાથે લાગી ગયા હતા. ત્યારે સમગ્ર કૌભાંડને લઈને ફેસબુકના શેરો પણ સતત ગગડી રહ્યા છે. ફેસબુકના શેર ૧.૪ ટકા ઘટીને ૧૫૩.૯૦ પ્રતિ ડોલર પહોંચી ગયા. કેમ્બ્રિજ એનાલિટિકા પ્રકરણ બાદ ફેસબુકના શેરમાં ૧૬ ટકા નરમાશ આવી હતી. ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકાના આ સંબંધો મામલે પહેલા પણ બે સમાચાર પત્રોએ રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા.
કેમ્બ્રિજ એનાલિટિકા સાથે જોડાયેલા ઈન્વેસ્ટિગેશનમાં અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ અને લંડનના ઓબ્ઝર્વરે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૫૦ મિલિયન એટલે કે ૫ કરોડથી પણ વધુ ફેસબુક ઉપયોગકર્તાઓના પર્સનલ ડેટા આ લીક પ્રકરણમાં પ્રભાવિત થયા હતા.
જો કે સ્ક્રોપરેએ જાણકારી નથી આપી કે ફેસબુક આ નિર્ણય પર કેવી રીતે પહોંચ્યું કે ૮ કરોડ ૭૦ લાખ ઉપયોગકર્તાઓ પ્રભાવિત થયા છે. પરંતુ તેમણે જણાવ્યું કે ફેસબુક પર એ લોકોને આ મામલે જાણકારી આપશે કે જેમનો ડેટા ખોટી રીતે કેમ્બ્રિજ એનાલિટિકા સાથે શેર કરવામાં આવ્યો છે.
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે બુધવારે કહ્યું કે તેઓ ફેસબુકને ચલાવવા માટે યોગ્ય વ્યક્તિ છે. તેમને એક તક મળવી જોઈએ. કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ડેટા લીક થયા બાદ ઝુકરબર્ગે માફી માંગી અને ત્યારબાદ તેમણે એક સાક્ષાત્કારમાં ખુદને દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક માટે સૌથી યોગ્ય ગણાવ્યા. ર૦૦૪થી ફેસબુકના સીઈઓ રહેલા માર્કે કહ્યું કે માણસથી ભૂલો થાય છે અને આ જ ભૂલોથી તેમને શીખવા મળે છે અને આ ડેટા લીક મુદ્દે કંપનીના કોઈ પણ કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે નહીં.
ફેસબુકને ચલાવવા માટે હું યોગ્ય વ્યક્તિ છું, મને એક તક આપવામાં આવે : માર્ક ઝુકરબર્ગ

Recent Comments