(એજન્સી) તા.૧૦
ફેસબુકે આસામ સરકારના આરોગ્ય પ્રધાન ડો.હેમંત વિશ્વશર્માની એક પોસ્ટને ખોટી માહિતી તરીકે ટાંકીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવ્યા બાદ તેમના વીડિયોને ફરીથી પુનઃ સ્થાપિત કર્યો હતો. હેમંત વિશ્વશર્માએ એક યુઝરને જવાબ આપતાં ટ્‌વીટર પર જણાવ્યું હતું કે આ વીડિયો સાચો છે અને તેની સાથે કોઇ ચેડાં કરવામાં આવ્યાં નથી. ફેસબુક દ્વારા આ વીડિયો રીસ્ટોર કરાયો છે તે સારી વાત છે. ૭,નવે.હેમંત વિશ્વશર્માએ એક વીડિયો શેર કર્યો હતો અને તેમાં એવો દાવો કર્યો હતો કે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રંટના સાંસદ બદરુદ્દીન અજમલના ટેકેદારો આસામના સિલ્ચર એરપોર્ટ ખાતે પાકિસ્તાન તરફી સૂત્રો પોકારી રહ્યા ંહતાં. તેમણે ફેસબુક પર વીડિયો શેર કરીને લખ્યું હતું કે આ કટ્ટરવાદીઓની નિર્લજ્જતા તો જુઓ કે જેઓ સાંસદ બદરુદ્દીન અજમલને આવકારી રહ્યાં હતાં ત્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યાં હતાં. આ વીડિયો સંપૂર્ણપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને બેનકાબ કરે છે કે જે ગઠબંધન કરીને આવા બળોને પ્રોત્સાહિત કરે છે. અમે તેમને સખત લડત આપીશું. જયહિંદ. વીડિયો હટાવતાં ફેસબુકે જણાવ્યું હતું કે તેના દ્વારા શર્માએ શેર કરેલ માહિતીનું સ્વતંત્ર વિશ્લેષકો દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું કે જેનો કોઇ હકીકતલક્ષી આધાર નથી. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રંટે સ્પષ્ટતા કરી છે કે તેના સમર્થકોએ પક્ષ નેતા માટે અઝીઝખાન ઝિંદાબાદ એવા સૂત્રો પોકાર્યા હતાં. પક્ષે એવું ઉમેર્યુ હતું કે એએલટી ન્યૂઝ અને બૂમલાઇવ જેવી ફેક્ટ ચેકિંગ વેબસાઇટે પણ તેમના દાવાને સમર્થન આપ્યું છે. બીજી બાજુ શર્માએ એવો દાવો કર્યો હતો કે ફેસબુકે ભાજપ વિરોધી પોસ્ટને હટાવી ન હતી. આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેન્સિક વિભાગ દ્વારા વીડિયોની તપાસ કરાવશે પરંંતુ ફેસબુકે તેનો ચુકાદો હવે આપી દીધો છે જે બતાવે છે કે કેવું તંત્ર ગોઠવેલું છે. અમારી વિરુદ્ધ અનેક ફેક ન્યૂઝ પોસ્ટ થયા છે તેમ છતાં ફેસબુકે તેમને હટાવ્યા નથી.